પોલીસ બેડામાં શર્મસાર કિસ્સો/ રાજકોટના PSI અને ૨ કોન્સ્ટેબલે બુટલેગરના ભાઈને હાથો બનાવી PIને લાંચમાં ફિટ કરવા રચ્યું ષડયંત્ર, ઉલટા પોતે ફસાયા

0
3306
  • બૂટલેગરના ભાઇએ જ પીઆઇને બે પેજની ચિઠ્ઠી લખી ફોજદાર જેબલિયા સહિતની ગેંગ ફસાવી રહ્યાનું કહેતા ભાંડો ફૂટી ગયો, ત્રણેયની તોળાતી ધરપકડ
  • ગુનેગાર સાથે પોલીસની સાઠગાંઠનો છેલ્લા પંદર દિવસમાં બીજો કિસ્સો

રાજકોટ. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે ‘સેટિંગ’ કરાવી દેવાનો બૂટલેગરના ભાઇ અને કોન્સ્ટેબલ વચ્ચેનો વાર્તાલાપ વાઇરલ થયા બાદ આ મામલામાં પીઆઇ વાળાને લાંચની ટ્રેપમાં ફસાવી દેવા ગાંધીગ્રામના જ પીએસઆઇ જેબલિયા અને અન્ય બે પોલીસમેને કાવતરું રચ્યાનો ધડાકો થયો હતો. બૂટલેગર નમન શાહના ભાઇ અંકિતનું અપહરણ કરી ધમકી આપી તેને પીઆઇ સુધી મોકલ્યો પણ હતો, પરંતુ અંકિતે એક ચિઠ્ઠી પીઆઇ વાળાને આપી હતી જેમાં જેબલિયા અને તેની ગેંગ ફસાવવા માટે કારસા રચી રહ્યાનું અંકિતે લખ્યું હતું, આ ચિઠ્ઠી પોલીસ કમિશનરને પીઆઇ વાળાએ પહોંચાડતા પીએસઆઇ જેબલિયા અને બે પોલીસમેનના કાવતરાનો પર્દાફાશ થયો હતો.  આ ત્રણેયની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

દરોડા પાડી 28 બોટલ દારૂ જપ્ત કર્યો હતો
માધાપર ચોકડી પાસે રહેતા અંકિત બકુલભાઇ શાહે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં શનિવારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પીએસઆઇ એમ.બી.જેબલિયા, હેડ કોન્સ્ટેબલ પ્રશાંત વિરા રાઠોડ, કોન્સ્ટેબલ પ્રતાપ સેલાર કરપડા અને વિશાલ નામના શખ્સનું નામ આપ્યું હતું. અંકિત શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.18 જૂનના ગાંધીગ્રામ પોલીસે તેના મકાનના પાર્કિંગમાં દરોડો પાડી 28 બોટલ દારૂ સાથે કાર જપ્ત કરી હતી અને તેમાં અંકિતના ભાઇ નમન શાહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. દારૂના દરોડા બાદ બે પોલીસમેન પ્રતાપ અને પ્રશાંત અંકિતના ઘરે ગયા હતા અને કહ્યું હતું કે, પીએસઆઇ જેબલિયાને પીઆઇ વાળા સાથે તકરાર ચાલે છે એટલે ફોજદાર જેબલિયા તને મળવા બોલાવે છે. અંકિતે જવાની ના કહેતા બંને પોલીસમેને બળજબરીથી અંકિતને બાઇકમાં બેસાડી દીધો હતો અને નાણાવટી ચોકમાં લઇ ગયા હતા જ્યાં અગાઉથી કારમાં જેબલિયા બેઠા હતા. 

પીઆઈ સાથે મિટિંગ કરાવવાની વાત કરી હતી
અંકિતને કારમાં બેસાડ્યા બાદ જેબલિયાએ ધમકી આપી હતી કે, અમે કહી તેમ નહીં કર તો તારા ભાઇ સામે ગુનો નોંધાયો છે, તારું નામ પણ ગુનામાં ખોલાવી તને ફિટ કરી દેશું. ફોજદાર જેબલિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ રાઇટર જસ્મીનભાઇ પાસે ફોન કરાવ્યો હતો અને ફોજદાર પટેલ રૂ.3 લાખ માગે છે, પીઆઇ વાળા સાથે મિટિંગ કરાવી દેવાની વાત કરી હતી, પરંતુ જસ્મીનભાઇએ મિટિંગ કરાવી દેવાનો ઇનકાર કર્યો હતો.

ચીઠ્ઠી આધારે પોલીસે કાર્યવાહી કરી
આમ છતાં પીએસઆઇ જેબલિયા સહિતનાઓએ પીઆઇ સાથે બેઠક કરવા અને એસીબીમાં તેમની સામે રાવ કરવા દબાણ ચાલુ રાખ્યું હતું. તા.28 જૂનના ફોજદાર જેબલિયા અને તેની ગેંગ અંકિત શાહને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી અને પીઆઇ વાળાને મળીને જ આવજે તેમ કહ્યું હતું, અંકિત પીઆઇ વાળાને મળવા ગયો ત્યારે પીઆઇ વાળાએ તેને ઓફિસમાંથી જતા રહેવા કહ્યું હતું પરંતુ જતી વખતે અંકિતે પોતે લખેલી ચિઠ્ઠી પીઆઇ વાળાને આપી હતી. જેમાં જેબલિયા અને તેની ગેંગ ફસાવવા માટે કારસા રચી રહ્યાનું અંકિતે લખ્યું હતું, આ ચિઠ્ઠી પોલીસ કમિશનરને પીઆઇ વાળાએ પહોંચાડતા પીએસઆઇ જેબલિયા અને બે પોલીસમેનના કાવતરાનો પર્દાફાશ થયો હતો. અંકિતની ફરિયાદ પરથી જ ફોજદાર જેબલિયા સહિત ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ત્રણ પોલીસમેનના બે ચહેરાઃ પોતાના સ્વાર્થ માટે ખાખી પર કાળીટીલી લગાવી દીધી
પીએસઆઈ જેબલિયાઃ 
 બે પોલીસમેનોને પોતાના સાથીદાર બનાવી લોકડાઉનમાં ઘરની બહાર નીકળતા લોકોને ધમકાવી તેમની પાસેથી રૂપિયા 8થી 10 હજારનો તોડ કરતા હતા. તેમજ દારૂના એક કેસમાં દોઢ લાખનો પણ તોડ કર્યો હતો તેવો ગાંધીગ્રામના પીઆઈ વાળાએ આક્ષેપ કર્યો હતો.

હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડઃ ફોજદાર સાથે નીકટતા કેળવી હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડે પણ ઉઘરાણા શરૂ કર્યા હતા. એટલું જ પણ નહીં પીઆઈ વાળાને ફસાવવા માટે પ્રશાંત અનેક વખત અંકિતના ઘરે ગયો હતો અને તેના પરિવારજનોને પણ ધમકાવ્યા હતા. પીઆઈને ફસાવવાના કાવતરામાં તેની પણ ભૂમિકા હતી.

કોન્સ્ટેબલ પ્રતાપ કરપડાઃ પીઆઈ વાળાએ ઉઘરાણા બાબતે ઠપકો દેતા કોન્સ્ટેબલ પ્રતાપે તેમને ધમકી આપી હતી. એટલું જ નહીં પીએસઆઈ જેબલિયા સાથે મળી બદલો લેવાનું નક્કી કર્યું હતું અને અંકિત શાહને મોહરો બનાવ્યો હતો. હેડ કવાર્ટરમાં બદલી થયા બાદ પ્રતાપ ફરજ પર હાજર થવાના બદલે રજા પર ઉતરી ગયો છે.

જમાદારે ધમકી આપી’તી રિપોર્ટ કરશો તો બે પુત્રીની હત્યા કરી આપઘાત કરીશ
પીઆઇ વાળાએ કહ્યું હતું કે, જ્યારે જેબલિયા અને પ્રતાપ કરપડાના તોડની જાણ થતાં પ્રતાપને બોલાવીને ચેતવણી આપી હતી કે, આ મામલે પોલીસ કમિશનર સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે, આ વાત જાણી પ્રતાપે પીઆઇને ધમકી આપી હતી કે, ‘મારા વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવશે તો મારી બે પુત્રીની હત્યા કર્યા બાદ હું આપઘાત કરી લઇશ અને આ ઘટનામાં પીઆઇ વાળાનો ત્રાસ કારણભૂત છે તેવું લખતો જઇશ’. પ્રતાપની ધમકીથી હચમચી ગયેલા પીઆઇ વાળાએ પોલીસ કમિશનરને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. શહેરીજનોને યેનકેન પ્રકારે ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી તોડ કરતા પ્રતાપ કરપડાને ભ્રષ્ટાચાર બંધ કરી ખાખી સાથે વફાદારી દાખવવાનું પીઆઈએ કહ્યું ત્યારે કોન્સ્ટેબલે તમામ મર્યાદાઓ ઓળંગીને પીઆઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો અને બે પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કરી લેશે અને તેમાં તેને ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. આ મામલાએ જે તે સમયે પોલીસ બેડાંમાં ભારે ચકચાર જગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here