લાભ પાંચમના સપરમા દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી શુભ કર્મની પ્રેરણા પુરી પાડતાં ડો. ધવલ ગોસાઈ

0
68

દિવાળીના દિવસે ત્રણ લોકોએ પ્લાઝ્મારૂપી દાનની જ્યોત પ્રગટાવી પાથર્યો ઉજાસ

ટેસ્ટ કરાવવાથી ડરવું નહીં, પોઝિટિવ આવે તો ઝડપી સારવાર કરાવવી અને સ્વસ્થ થયા બાદ પ્લાઝ્મા ડોનેટ કરવાનો કોરોના મંત્ર આપતા ડો. ધવલ

રાજકોટ, દીપાવલી તહેવારના અંતિમ દિવસ એટલે કે લાભ પાંચમના પ્રારંભે કમલાપુર પી.એચ.સી. સેન્ટર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. ધવલ ગોસાઈએ બીજીવાર પ્લાઝ્મા દાન કરી શુભ કાર્યની પ્રેરણા પુરી પાડી છે.


આજ તેઓનો તિથિ મુજબ જન્મદિવસ હોઈ આ દિવસ તેમણે સામાજિક કાર્ય કરીને ઉજવ્યો છે. તેઓએ આ પહેલા પણ પ્રથમવાર તેમના જન્મ દિવસ ૨૯ ઓક્ટોબરના રોજ પ્લાઝ્મા દાન કરી કોરોનાના દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતુ.


ડો. ધવલ જણાવે છે કે, રાજકોટ સિવિલ ખાતે કોઈ એક વ્યક્તિ દ્વારા ૬ વખત પ્લાઝ્મા ડોનેટ કરવાનો રેકોર્ડ છે. દર પંદર દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી મારે નવો રેકોર્ડ સ્થાપિત કરવો છે. ડો. ધવલે પી.ડી.યુ સિવિલ ખાતે અભ્યાસ કર્યો હોઈ માતૃ સંસ્થાનું ઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ સમય હોવાનું તેઓ જણાવે છે.


આ પૂર્વે તેઓ જયારે સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને કોરોના લાગુ પડ્યો હતો. તેમના ફેફસામાં ૩૦% અસર થઈ ગયેલી. તેઓને સિવિલ ખાતે જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી. સ્વસ્થ થયા બાદ ડો. ધવલ પ્લાઝ્મા ડોનેટ કરવા કટિબદ્ધ હતાં.


લોકોને શુભ સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ટેસ્ટ કરાવવાથી ડરવું નહીં, પોઝિટિવ આવે તો ગભરાયા વગર ઝડપી સારવાર કરાવવી અને સ્વસ્થ થયા બાદ પ્લાઝ્મા ડોનેટ કરવાનો નિશ્ચય કરવો. આ કોરોના મંત્ર તેઓ તેમના સેન્ટર પર લોકોને આપી જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.
દિવાળી પર્વમાં લોકો જયારે પરિવારજનો સાથે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી રહ્યા હતા ત્યારે વિનોદભાઈ મોલીયા, હરેશભાઇ પરમાર અને મનોજભાઈ રાણપરાએ પ્લાઝ્મા ડોનેટ કરી દર્દીઓના પરિવાજનોમાં ઉજાસ ફેલાવવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે.


કોરોનાના ગંભીર દર્દીઓને કોરોનાને ફેલાતો અટકાવવા અને તેની સામે લડાઈ કરવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા અર્થે શરીરમાં તૈયાર એન્ટિબોડીઝ મદદરૂપ બને છે. આ માટે કોરોનાથી સાજા થયેલ વ્યક્તિનું પ્લાઝ્મા લેવામાં આવે છે. રાજકોટ સિવિલ ખાતે આ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સિવિલ ખાતે ૩૫૦ થી વધુ લોકોએ પ્લાઝ્મા દાન કરી માનવીય ધર્મ બજાવ્યાનું ડો. કૃપાલ પુજારા જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here