અફવા પર ધ્યાન ન આપો: અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવાના ડરે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા લાઈનો લાગતા D-MART સીલ, કાલુપુર શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

0
141
  • ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત અફવા, ગુજરાતમાં લોકડાઉનનું કોઈ પ્લાનિંગ નથીઃ CM વિજય રૂપાણી
  • શહેરમાં વધેલા સંક્રમણ બાદ બે દિવસના કર્ફ્યુની જાહેરાત કરાઈ પરંતુ લોકોમાં ગંભીરતા નથી
  • લોકોની ભીડ સુપર સ્પ્રેડર માટે જવાબદાર બની શકે

અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં આજે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે ન્યુઝ અપડેટ્સ શહેરીજનોને અપીલ કરે છે કે ખોટું પેનિક ન લો અને અફવાઓ પર ધ્યાન ન આપો. શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે છતાંય લોકો ગંભીર નથી. શહેરના કાલુપુર શાકમાર્કેટમાં આજે સવારથી જ લોકોની ભીડ એકઠી થઈ હતી. અહીં કોરોનાની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતાં. લોકો માર્કેટ બંધ થઈ જશે અને શાકભાજી નાના વેપારીઓ સુધી નહીં પહોંચે તેવા ડર સાથે લોકો અને વેપારીઓની શાકમાર્કેટમાં ભીડ જોવા મળી હતી. અહીં સોશિયલ ડિસ્ટન્સ તો દૂરની વાત રહી પણ લોકો ધક્કામુક્કી કરીને આગળ વધી રહ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. બીજી બાજુ શહેરમાં કર્ફ્યુને લઈને લોકોમાં ડર ફેલાયો છે. સવારથી જ લોકો કરીયાણું સહિતની વસ્તુઓ લેવા માટે નીકળી પડ્યાં છે. શહેરમાં કર્ફ્યુ લંબાશે તેવા ડરના કારણે જોધપુર અને શ્યામલ ડી માર્ટ પાસે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકોની લાઈનો લાગી છે.

ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત અફવા: CM રૂપાણી
અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. CM રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉનનું કોઇ પ્લાનિંગ નથી. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે, ગુજરાતમાં લોકડાઉન નહીં થાય, આ વિકેન્ડ કર્ફ્યુ છે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ રાજ્યમાં લોકડાઉન લગાવવાની વાતને અફવા ગણાવી હતી. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ માત્ર તકેદારીના ભાગરૂપે લગાવવામાં આવ્યું છે.

લોકોની ભીડ સુપર સ્પ્રેડર માટે જવાબદાર બની શકે
વધુ એકવાર આવી શાકમાર્કેટમાં ભીડ કોરોના સંક્રમણ ફેલાવવા અને સુપર સ્પ્રેડર માટે જવાબદાર બની શકે છે. દિવાળીના તહેવાર દરમ્યાન પણ આવા મોટા બજારોમાં મોટી ભીડ જામી હતી. લાલ દરવાજાનું ભદ્ર બજાર જ્યાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને કારંજ પોલીસે હપ્તા લઈ અને આખું બજાર ચાલુ રાખ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરતા હતા છતાં કોઈ દંડ કે કેસ નોંધ્યો ન હતો. આજે ફરી એકવાર બજારોમાં ભીડ વધી રહી છે જેને બંધ કરાવવી જરૂરી છે.

કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરાઈ
છેલ્લા બે દિવસમાં મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ભીડ ભેગી થતાં બંધ કરાવી દેવામાં આવી છે. એસજી હાઇવે પર વાઈડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેને સીલ મારવામાં આવી છે. અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઈડલાઈન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર પહેલા અને તહેવારમાં અનેક દુકાનો, લારી ગલ્લા હોય કે અન્ય જગ્યાઓ તમામ જગ્યાએ ભીડ ભેગી થઈ હતી.

તહેવારમાં ખરીદી માટે હજારોની ભીડ એકઠી થઈ છતાં કોઈ કાર્યવાહી નહીં
લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પાથરણા બજારમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. મીડિયામાં પણ અનેક વાર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અંગેના સમાચાર પ્રસારિત થતા હતા છતાં કોઈપણ કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કારંજ પોલીસ કરતી ન હતી. એકપણ પોલીસ કેસ કારંજ PI દ્વારા કોઈ પાથરણા કે લોકો સામે કરવામાં આવ્યા ન હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ દબાણ હટાવવામાં આવતું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here