અમિતાભ-અભિષેકને કોરોના, બાકીનો પરિવાર સુરક્ષિતઃ બંનેને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

0
1166
  • આશંકા છે કે બચ્ચન પરીવારમાં અભિષેકના કારણે કોરોના ફેલાયો છે, કારણ કે તે એકમાત્ર સભ્ય છે જે ડબિંગ માટે બહાર જતો હતો
  • ઘરમાં ટેસ્ટ સમયે અમિતાભનું ઓક્સિજન લેવલ લગભગ 90 હતું, જે હોસ્પિટલમાં દાખલ થયા પછી વધીને 95% થયું છે
  • મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું- અમિતાભ અને અભિષેકમાં કોરોનાના હળવા લક્ષણો હતા, એટલા માટે બન્નેનો કોરોના ટેસ્ટ કરાયો
  • દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે તેઓ હોસ્પિટલ અને સરકારના સંપર્કમાં છે અને તેઓએ અમિતાભનું ખાસ ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે

અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમિતાભને શનિવારે રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. 77 વર્ષીય અમિતાભે રાત્રે 10:52 વાગ્યે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. બિગ-બી સંક્રમિત થયા પછી તેમના પરિવાર અને સ્ટાફનો પણ ટેસ્ટ કરાયો  હતો. અમિતાભને કોરોના સંક્રમણના લક્ષણ છે કે નહીં, એ વિશે હજુ કશું સ્પષ્ટ નથી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યાનુસાર, તેમની તબિયત સારી છે. તેઓ ઝડપથી સાજા થઈ જશે. અમિતાભે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલ પણ સંબંધિત ઓથોરિટીને સૂચિત કરી રહી છે. મારા પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું.’

રાત્રે 10:52 વાગ્યે ટ્વિટ 
‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. હવે તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.’


ઈન્ફેક્શન વધારે નહીં, પણ ઓક્સિજનનું સ્તર ઓછું
શરૂઆતી અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે તેમને કોરોના વાઈરસનું વધારે ઈન્ફેક્શન નથી, પણ તેમની મેડિકલ હિસ્ટ્રી જોતા વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. તેમનું ઓક્સિજન સ્તર ઓછુ હતું. બચ્ચનના લીવર અને કીડનીને લગતી સમસ્યા છે.

બિગ-બી પહેલાં પણ ગંભીર બીમારીઓને હરાવી ચૂક્યા છે

  • મિયાસ્થીનિયા ગ્રેવિસ: આ ન્યુરોમસ્ક્યુલર બીમારી છે, જેમાં માંસપેશીઓ નબળી પડી જાય અને ઝડપથી થાકી જાય છે. 
  • 2000માં ટીબી થયો હતો.
  • 2005માં આંતરડાનું ઓપરેશન. 
  • 2015માં કહ્યું હતું કે, મારું લિવર 25% જ કામ કરે છે. 75% ભાગ હિપેટાઈટિસ બીના કારણે ખતમ થઈ ગયો છે. 

અમિતાભ ઘરમાં હતા, અભિષેક ડબિંગમાં ગયો હતો
છેલ્લા કેટલા દિવસથી અમિતાભ ઘરની બહાર ગયા નથી. અભિષેક બચ્ચન ત્રણ દિવસ પહેલા એક ડબિંગ સ્ટુડિયોમાં ગયા હતા. અહીં તેઓ અનેક લોકોને મળ્યા હતા. એક દિવસ પહેલાં તેમની વેબ સીરિઝ ‘બ્રીથ’ પણ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે. અમિતાભની નજીકના લોકોએ કહ્યું કે, ડૉ. અમોલ જોશી અને અવિનાશ અરોરા તેમની સારવાર કરી રહ્યા છે. 

બંને બંગલા સીલ કરાશે
પ્રોટોકોલ મુજબ અમિતાભના જલસા અને પ્રતિક્ષા બંગલાને સીલ કર્યા પછી સેનેટાઈઝ કરાશે. મોડી રાત્રે બીએમસીની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ હતી. મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે આસપાસના ઘર સંક્રમણમુક્ત કરાશે.

  • મુંબઈમાં શનિવારે 1308 નવા દર્દી મળ્યા અને 39 લોકોના મોત થયા. બીજા સૌથી સંક્રમિત શહેર મુંબઈમાં  કુલ 91,457 દર્દી છે.

8 જુલાઈએ પોતાના અવાજમાં આ પંક્તિઓ શેર કરી હતી… 
ગુજર જાયેગા, ગુજર જાયેગા
મુશ્કિલ બહુત હૈ, મગર વક્ત હી તો હૈ
ગુજર જાયેગા, ગુજર જાયેગા
જિંદા રહને કા યે જો જઝ્બા હૈ
ફિર ઉભર આયેગા
માના મૌત ચહેરા બદલકર આઈ હૈ, 
માના રાત કાલી હૈ, ભયાવહ હૈ, ગહરાઈ હૈ
લોગ દરવાજો પે રાસ્તો પે રુકે બેઠે હૈ
કઈ ઘબરાયે હૈ, સહમે હૈ, છિપે બેઠે હૈ
મગર યકીન રખ, મગર યકીન રખ
યે બસ લમ્હા હૈ દો પલ મેં બિખર જાયેગા
જિંદા રહને કા યે જો જઝ્બા હૈ, ફિર અસર લાયેગા

ગયા વર્ષ ઓક્ટોબરમાં બીમાર થયા હતા 
ગયા વર્ષ ઓક્ટોબરમાં પણ અમિતાભ બચ્ચનની તબીયત રાત્રે 2 વાગે અચાનક બગડી હતી. ત્યારબાદ મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અનેક અગ્રણીઓએ ટ્વીટ કરી અમિતાભ સ્વસ્થ થાય તેવી શુભકામના પાઠવી
ભાજપના ગૌરવ ભાટિયા, ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવીસ, શાહનવાઝ હુસૈન, જ્યોતિરાદિત્ય સિંધિયા,અરશદ વારસી સહિત અનેક અગ્રણીઓએ અમિતાભ બચ્ચન જલ્દી સ્વસ્થ થાય તેવી શુભકામના પાઠવી છે