સેનાએ કહ્યું, ‘પાકિસ્તાનથી 300 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં’, કુપવાડાના નૌગામમાં LOC નજીક તોઈબાના બે આતંકીઓ ઠાર

0
451

પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પુરાવા મળ્યા

બારામુલ્લા/ શ્રીનગર. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોન્ચ પેડ પર આશરે 300 આતંકીઓ હાજર છે. તેઓ એલઓસીને પાર કરી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સેનાની 19મી ઈન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વીરેન્દ્ર વત્સે શનિવારે આ માહિતી આપી હતી. મેજર જનરલ વત્સે કહ્યું કે આતંકીઓની ઘૂસણખોરીને રોકવા માટે સેના સંપૂર્ણપણે તૈયાર છે. સેનાના જવાન આતંકીઓની ઘૂસણખોરીના કોઈ પણ પ્રયાસનો જડબાતોડ જવાબ આપવા અને તેને નિષ્ફળ કરવા સતર્ક છે. મેજર જનરલ વત્સે કહ્યું કે અમારી પાસે ઈનપુટ છે કે પીઓકેમાં લોન્ચપેડ સંપૂર્ણપણે ભરાયેલાં છે. આ લોન્ચપેડ્સમાં હાલ હાજર આતંકીઓની સંખ્યા 250થી 300ની વચ્ચે છે. આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે કેમ કે હિમસ્ખલનને લીધે રસ્તો બંધ થઈ જતા પહેલાં તેમની પાસે લગભગ ઉનાળાના ચાર મહિના બાકી છે. 

નૌગામ સેક્ટરમાં LOC નજીક બે આતંકી ઠાર
સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા બે આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, 12 મેગેઝિન અને વિસ્ફોટકની સાથે જ ભારતીય તથા પાકિસ્તાની ચલણ સ્વરૂપે દોઢ લાખ રૂપિયા કબજે લેવાયા હતા. આ આતંકીઓ કાંટાળી વાડ કાપીને ઘૂસ્યા હતા.