વકરતા કોરોના વચ્ચે રવિવારથી શરૂ થનારી સી.એ.ની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે તણાવ

0
75

જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત તેમજ દેશના અન્ય અનેક શહેરોમાં કોરોનાનું વધતુ સંક્રમણ: રાજય સરકારે પિછેહઠ કરી સોમવારથી શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય મુલત્વી રાખ્યો: આઇ.સી.એ.આઇ.ના બોર્ડ મેમ્બરોની પરીક્ષા કોરોનાને લીધે મુલત્વી રખાઇ પરંતુ પોણા પાંચ લાખ છાત્રો અને તેના વાલીઓના આરોગ્ય સાથે ચેડા કરવાની બોર્ડ ચેરમેનની જીદ સામે સોશ્યલ મિડિયામાં પણ ભારે નારાજગી: સરકાર હસ્તક્ષેપ ન કરે તો અનેકનો ભોગ લેવાય તેવી દહેશત: અખાતના 6 દેશોના પરીક્ષાર્થીઓ

જામનગર સહિત દેશભરમાં તેમજ પાંચ અન્ય દેશોમાં ભણતા ચાટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.)ના વિદ્યાર્થીઓની પરીક્ષા રવિવારથી શરૂ થઇ રહી છે ત્યારે દેશના અનેક શહેરોમાં દિવાળી બાદ વધેલા કોરોનાના કેસને કારણે પરીક્ષાર્થીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે. વળી પરીક્ષાના મુદે આઇ.સી.એ.આઇ.ના ચેરમેનના બેવડા ધોરણની પણ ભારે ટીકા થઇ રહી છે. હાલના સંજોગોમાં આશરે પોણા પાંચ પરિક્ષાર્થીઓના જીવ પડીકે બંધાયા છે. કેમ કે હજારો પરીક્ષાર્થીઓના પરીક્ષા કેન્દ્ર કોરોના વકર્યો છે તેવા શહેરમાં છે.
પ્રોફેશનલ કોર્ષ સી.એ.માં ફાઉન્ડેશનથી ફાઇનલ સુધીના ગ્રેડમાં કુલ પોણા પાંચ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તેમાં ભારત સિવાયના અન્ય છ દેશના છાત્રોનો સમાવેશ થયા છે. ફાઉન્ડેશનના છાત્રોની પરીક્ષા મે-2020માં લેવાનાર હતી. જે લોકડાઉન અને તે પછીના કોરોના સ્થિતિને લીધે રદ થઇ હતી તો અન્ય ગ્રેડ (ઇન્ટરમિડિપેટ અને ફાઇનલ)ની પરીક્ષા માર્ચ-2020માં હતી તે સતત પાછી ઠેલાતી આવી છે.
વિદ્યાર્થીઓના સર્વેમાં 70 ટકાથી વધુ વિદ્યાર્થીઓ હાલના માહોલમાં પરીક્ષા માટે માનસિક રીતે ફીટ નથી તેવું તારણ નિકળ્યું હતું. આમ છતા ઇન્સ્ટીટયુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (આઇ.સી.એ.આઇ)એ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. તેના આ નિર્ણયને પડકારતી જાહેરહીતની અરજી સુપ્રિમ કોર્ટમાં પણ થઇ હતી. પરંતુ સરકારે અન્ય મુદાની જેમ આઇ.સી.એ.આઇ. સામે સત્તાનો ઉપયોગ કરવાનું કોઇ અગમ્ય કારણસર માંડી વાળતા વિદ્યાર્થીઓનો મરો થયો છે. દિલ્હી, મુંબઇ સહિતના અનેક શહેરોમાં છેલ્લા 15દિવસથી કોરોનાની બીજી લહેર શરૂ થતા કેસ વધ્યા છે. અને જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ દિવાળીની ઉજવણી ભારે પડી હોય તેમ કેસ વધી રહ્યા છે.
સી.એ.ના પરીક્ષા કેન્દ્રોની પસંદગીમાં અનેક છબરડા થયા છે અને પરીક્ષાર્થીઓ ટેન્શનમાં છે. કેટલાકના કેન્દ્રો બદલી ગયા અને એ પણ ત્યાં સુધી કે રાજય બદલાવી નંખાયું. અનેક અન્ડર ક્ધસ્ટ્રકશન બિલ્ડીંગને પરીક્ષા કેન્દ્રો જાહેર કરી છે. જેના ઉપરથી લાગે છે કે પરીક્ષાનું સંચાલન કરનારાએ એ.સી.ઓફિસમાં બેસીને આયોજન કરી લીધુ છે કોઇ પ્રેકટીકલી કોચ ચેક થયું નથી અને છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્દ્રો બદલાવાઇ રહ્યા છે.
સોશ્યલ મિડિયામાં અસંખ્યા છાત્રો ઉપરાંત સી.એ.થઇ ગયેલા લોકો હાલના સંજોગોમાં પરીક્ષા અયોગ્ય ગણાવી રહ્યા છે. આઇ.સી.એ.આઇ.ના ચેરમેનના પરીક્ષા અંગેના બેવડા ધોરણની પણ વિદ્યાર્થીઓ અને સી.એ. થઇ ચુકેલા અનેક લોકોમાં ભારે ટિકા થઇ રહી છે. કેમ કે આઇ.સી.એ.આઇ. બોર્ડના સભ્યોની સંખ્યા કે જે બહુ ઓછી છે તેની પરીક્ષા કોરોનાને લીધે મુલત્વી રાખી અને પોણા પાંચ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ રાખીને 20 લાખ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું યોગ્ય હોય તેમ પરીક્ષા ચાલુ રાખવાનો નિર્ણય છે. જેને બહુ દુર પરીક્ષા કેન્દ્રો છે અને દરરોજ અપડાઉન શકય નથી તેવા વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચે પરીક્ષા કેન્દ્રના સ્થળવાળા શહેરોમાં જવાનું પણ શરૂ કરી દિધુ છે અને રહેવા-જમવાની વ્યવસ્થા શરૂ કરી છે. આમ છતા પરીક્ષાર્થીઓ ઇચ્છે છે કે કોરોનાના સંક્રમણની ભીતિ વચ્ચે પરીક્ષા લેવાવાનું છેલ્લી ઘડીએ મુલત્વી રાખવામાં આવે.
જામનગરમાં 200થીવધુ પરીક્ષાર્થીઓ છે. એમ.પી.શાહ કોમર્સ કોલેજ, ગોસરાણી (હરિયા ગુ્રપ) કોલેજ અને તપોવન સ્કુલ એમ ત્રણ પરીક્ષા કેન્દ્રો જાહેર થયા અને હોલ ટિકીટ પણ 1 લી ડિસેમ્બરે જાહેર થઇ ગઇ છે. તપોવનવાળા સેન્ટરનું બિલ્ડીંગ અન્ડર ક્ધસ્ટ્રકશન છે તેથી આ સેન્ટર બદલવાની તજવીજ પણ કરાઇ રહી છે.
કોરોનાના વધતા સંક્રમણને લઇને સરકારે પણ શાળા-કોલેજ ખોલવાની બાબતે નિર્ણય ફેરવી પીછેહઠ કરવી પડી છે ત્યારે સી.એ.ના છાત્રોની રવિવારથી શરૂ થનારી પરીક્ષા અંગે ભારે દ્રિઘાને લીધે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ વિમાસણમાં જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here