તમિલનાડુના કડલોર જિલ્લામાં ગ્રાહકની જાગૃતિને કારણે બેન્કની નકલી બ્રાન્ચનો પર્દાફાશ
ચેન્નાઈ. તમે અત્યાર સુધી નકલી બેન્કખાતા ખોલવા અંગે સાંભળ્યું હશે. પરંતુ તમિલનાડુમાં એક યુવાને બેન્કની નકલી શાખા ખોલીને દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્કને જ પડકાર ફેંક્યો. લગભગ 80 હજારની વસ્તી ધરાવતા કસ્બામાં આ બ્રાન્ચ 3 મહિનાથી ચાલી રહી હતી. એક ગ્રાહકની ફરિયાદ પછી આ ભાંડો ફૂટ્યો છે. પોલીસે 19 વર્ષીય યુવાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ બ્રાન્ચમાંથી કોઈ વ્યવહાર થયા નથી. જોકે, કોઈ વ્યક્તિએ પણ છેતરપિંડીની ફરિયાદ કરી નથી.
ગ્રાહકને લીધે ફૂટ્યો ભાંડો
આ ઘટના તમિલનાડુના કડલોર જિલ્લાના પનરુતી કસ્બાની છે. અહીં સ્ટેટ બેન્કની બે બ્રાન્ચ છે. થોડા દિવસ પહેલા એક બ્રાન્ચમાં ગ્રાહક ગયો અને મેનેજરને પૂછ્યું કે તમે જણાવ્યું નહીં કે શહેરમાં ત્રીજી બ્રાન્ચ ખૂલી ગઈ છે? આ સાંભળી મેનેજર આશ્ચર્યચકિત થઈ ગયા. ગ્રાહકે કથિત બ્રાન્ચની સ્લીપ બતાવી તો મેનેજરને લાગ્યું કે કંઈક ગરબડ છે. તેણે ઝોનલ ઓફિસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે આવી કોઈ બ્રાન્ચ શરૂ કરાઈ નથી.
પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
ત્યારપછી તેઓ આ ત્રીજી બ્રાન્ચ પહોંચ્યા તો જોઈને દંગ થઈ ગયા. અહીં ફર્નિચરથી લઈ સ્ટેશનરી સુધી બધુંજ અસલી બ્રાન્ચ જેવું બનાવાયું હતું. કેશ ડિપોઝીટ ચલણ, રબર સ્ટેમ્પ, ફાઈલ વગેરે અસલ જેવા હતા. તેના પર બેન્કનું નામ છાપેલું હતું. અહીં કરન્સી કાઉન્ટર મશીન, ડેસ્કટોપ કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ડઝનેક ફાઈલો પણ હતી. મેનેજરની ફરિયાદના આધારે પોલીસે માસ્ટરમાઈન્ડ ગણાતા કમલ બાબુ (19 વર્ષ), રબર સ્ટેમ્પ વેન્ડર મણિકમ (52 વર્ષ) અને પ્રિન્ટિંગ પ્રેસ સંચાલક કુમાર (42 વર્ષ)ની ધરપકડ કરી છે. એટલું જ નહીં એમણે પનરુતી બજાર બ્રાન્ચના નામે વેબસાઈટ પણ બનાવી હતી.
રહેમરાહે નોકરી માટે અરજી કરી હતી પણ વિલંબ થતો હતો
પોલીસની પૂછપરછમાં કમલે કહ્યું કે તેના માતા-પિતા બેન્ક કર્મચારી હતા. તેઓ બેન્કમાં જતા હોવાથી તેને બેન્કના કામકાજ અંગે ઘણી માહિતી હતી. થોડા વર્ષ પહેલા તેના પિતાનું નિધન થયું અને માતા નિવૃત્ત થઈ ગઈ. પિતાના અવસાન પછી તેણે રહેમરાહે નોકરી માટે અરજી કરી હતી. નોકરી મળવામાં વિલંબ થયો તે તેણે બેન્કની બ્રાન્ચ જ ખોલી નાંખી. જોકે તેણે કહ્યું કે તે પોતાની બેન્ક શરૂ કરવા માંગતો હતો. તેણે કોઈની સાથે છેતરપિંડી કરી નથી. જોકે, બ્રાન્ચમાંથી તેની માતા અને કાકીના બેન્ક એકાઉન્ટ વચ્ચે ઘણા વ્યવહરા થયા હોવાનું જણાયું છે.