કોમેડિયન ભારતી સિંહના મુંબઈના ઘરે NCBની રેડ, મુંબઈના અંધેરી, વર્સોવા અને લોખંડવાલામાં ઠેકઠેકાણે દરોડાની કાર્યવાહી

0
115

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દંપતી પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે. અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે દરોડાની કાર્યવાહી ચાલુ છે. આ માહિતીની પુષ્ટિ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કરી છે, જેમના માર્ગદર્શન હેઠળ જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

ભારતી સિંહે ‘ધ કપિલ શર્મા શૉ’, ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ જેવા શૉમાં એક્ટિંગ પ્લસ એન્કરિંગ કર્યું છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતી અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

ભારતી સિંહના ઘરેથી કોઈ શંકાસ્પદ સામાન મળ્યો છે કે કેમ અને અન્ય કયાં સ્થળોએ NCBની રેડ પડી છે એ વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here