રાજકોટમાં કોરોનાથી 6ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર, આજથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, મનપાએ 13 જેટલી ચાની હોટલ સીલ કરી

0
86
  • 24 કલાકની મંજૂરીવાળા મેડિકલ સ્ટોર ખુલ્લા રાખી શકાશે
  • હોમ ક્વોરન્ટાઈન બહારથી પકડાશે તો ફેસેલિટી ક્વોરન્ટાઈનમાં મોકલી દેવાશે

રાજકોટમાં કોરોનાથી 6ના મોત થયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. જેથી રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 10 હજાર 19 કેસ નોંધાયા છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં કુલ 665 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે 54 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર
રાજકોટ શહેરમાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી રાજ્ય સરકારે કર્ફ્યૂ જાહેર કર્યું છે. આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે અનલોકમાં જે રીતે સૂચના આપી હતી તે રીતે જ નોકરી અને ધંધાનો સમય લોકોએ એવી રીતે નક્કી કરવો પડશે કે રાત્રીના 9 વાગ્યા પહેલા તેઓ પોતાના ઘરે અથવા સ્થળે પહોંચી જાય. આ સાથે જ જણાવ્યું હતું કે હોમ ક્વોરન્ટાઈન લોકો બહારથી પકડાશે તો ફેસેલિટી ક્વોરન્ટાઈનમાં મોકલી દેવાશે.

રાજકોટ સહિત જિલ્લામાં કુલ 14810 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં શુક્રવારે નવા 83 અને ગ્રામ્ય વિસ્તારમાં 54 સહિત 137 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 14810 થયો છે અને બે દિવસમાં 15000 સુધી પહોંચી જાય તેવી પૂરી શક્યતા છે. એક તરફ કોરોનાની બીજી લહેર શરૂ થઈ હોવાથી નવા કેસની સંખ્યા વધશે તેવો ડર છે અને બીજી તરફ મોતની સંખ્યા પણ વધી રહી છે.

રાજકોટમાં સતત બીજા દિવસે મનપાએ ચેકિંગ હાથ ધર્યુ
રાજકોટમાં સતત બીજા દિવસે મનપાએ કાલાવડ રોડ પરની ચાની હોટલો પર તવાઈ બોલાવી હતી અને સીલ કરી હતી. ગઈકાલે મનપા દ્વારા 13 જેટલી ચાની હોટલો સીલ કરી હતી.ત્યારે આજે પણ મનપાની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોવિડ-19ની ગાઈડલાઈનનો ભંગ કરનાર હોટલોને 7 દિવસ માટે સીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here