જે પરિવારમાં લગ્ન છે તેના જીવ તાળવે ચોંટ્યા, એકની એક દીકરીના લગ્ન છે ભાઈએ કહ્યું, પાર્ટી પ્લોટ, જમણવાર અને મંડપ-લાઈટ ડેકોરેશનના પેમેન્ટ થઈ ગયા, હવે પરમિશનની દોડધામ

0
1989
  • તંત્રનો ઉડાવ જવાબ- પરમિશન માટે હજુ સુધી કોઈ પરિપત્ર આવ્યો નથી
  • ભાજપ રેલીઓ કાઢે છે તો કોઈ નિયમો નડતા નથી?

દિવાળીના તહેવાર બાદ હવે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં આજથી રાત્રિ કર્ફ્યૂ જાહેર થતાં જે ઘરમાં લગ્ન પ્રસંગનો માહોલ છવાયો છે. તે લોકો મુંઝવણમાં મુકાયા છે. આ અઠવાડિયામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 500થી વધુ લગ્ન છે. ત્યારે જે ઘરમાં લગ્ન પ્રસંગ યોજાવાના છે તે લોકોને હવે શું કરવું તે પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે લગ્ને હવે 4-5 દિવસની જ વાર હોવાથી મંડપ સર્વિસ, કેટરિંગ અને લાઈટ ડેકોરેશન સહિતનું બુકિંગ થઈ ગયું છે અને પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું છે.બીજી તરફ પરમિશન માંગવા માટે જાય છે તો હજુ કોઈ પરિપત્ર મળ્યો નથી તેવું તંત્ર દ્વારા કહેવામાં આવે છે.

રાંક પરિવારમાં દિકરા મિલનના લગ્ન 27 નવેમ્બરે યોજાવાના છે

રાંક પરિવારમાં દિકરા મિલનના લગ્ન 27 નવેમ્બરે યોજાવાના છે

સરકાર દિવસેને દિવસે પોતાના નિર્ણય બદલી રહી છે- સુરભી રાંક
રાજકોટ જિલ્લાના વેકરીમાં રહેતા રસિકભાઈ રણછોડભાઈ રાંકના ઘરે તેના દિકરા મિલન રાંકના લગ્ન આગામી 27 નવેમ્બરે યોજાવાના છે. ત્યારે લગ્નને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. કારણ કે લગ્નને આડે હવે માત્ર 5 દિવસ જ બાકી છે. ત્યારે સરકારે રાત્રિ કર્ફ્યૂ જાહેર કરતા પરિવારના સભ્યો મુંઝવણમાં મુકાયા છે. ત્યારે મિલન રાંકના બહેન સુરભી રાંકે જણાવ્યું હતું કે અમારી જેમ ઘણા લોકોએ પોતાના ઘરે પ્રસંગ હોવાથી આયોજન કરી લીધું છે. ત્યારે સરકાર દિવસેને દિવસે પોતાના નિર્ણય બદલી રહી છે. જેથી મારૂ કહેવું છે કે સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને, પ્રસંગને ધ્યાનમાં રાખીને અને આયોજનને ધ્યાનમાં રાખીને નિર્ણય જાહેર કરવો જોઈએ. કારણે અમે અત્યારે મુંઝવણમાં મુકાયા છીએ. જેથી સરકાર અમારી મુંઝવણ દૂર કરે.

સગપરીયા પરિવારમાં દીકરી પૂજાના લગ્ન 1લી ડિસેમ્બરે યોજાવાના છે

સગપરીયા પરિવારમાં દીકરી પૂજાના લગ્ન 1લી ડિસેમ્બરે યોજાવાના છે

પરમિશન લેવા જાય તો તંત્ર કહે છે અમારી પાસે કોઈ પરિપત્ર આવ્યો નથી- વિશાલ સગપરીયા
રાજકોટમાં હરિધવા રોડ પર રહેતા સુરેશભાઈ નાગજીભાઈ સગપરીયાને ત્યાં તેની દિકરી પૂજાના લગ્ન આગામી 1લી ડિસેમ્બરે યોજાવાના છે. જેથી ઘરે તમામ પ્રકારની તૈયારી થઈ ગઈ છે. ત્યારે લગ્ન થનાર દિકરી પૂજાના ભાઈ વિશાલ સગપરીયાએ જણાવ્યું હતું કે 5 દિવસ પછી લગ્ન છે. ત્યારે સરકારે રાત્રે કર્ફ્યૂ જાહેર કર્યું છે. અમે છેલ્લા 1 મહિનાથી લગ્નની તૈયારી કરી રહ્યાં છીએ. બેનના લગ્નને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. અમારે રાતના લગ્ન છે. લાઈટ ડેકોરેશન, કેટરિંગ, મંડપ સર્વિસ સહિતનુ બુકિંગ કરી દીધુ છે. બધાના પેમેન્ટ ચુકવી દીધા છે. કલેક્ટર અને પોલીસ પાસે પરમિશન લેવા જાય તો કહે છે કે અમારી પાસે કોઈ પરમિશનનો પરિપત્ર આવ્યો નથી. બહાર ગામથી આવતા લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. મારે સરકારને એટલું જ કહેવું છે કે ભાજપ સરકાર રેલીઓ અને સભાઓ કરીને 200-500 લોકો ભેગા થઈને ઉજવણી કરે છે તો આમ જનતાને આમાં શું કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here