ગૂમ થયા છે પ્રજાના 211 પ્રતિનિધિઓ:અમદાવાદના બે મંત્રી, બે સાંસદો, 15 ધારાસભ્યો અને 192 કોર્પોરેટર ક્યાંય દેખાતા નથી, જનતા જવાબ માંગે છે

0
112

ગુજરાતમાં મહામારી કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. એમાં પણ દિવાળીથી અમદાવાદની માઠી દશા બેઠી છે. શહેરમાં હવે 300 કેસ આવવા લાગ્યા છે, જેને કારણે પ્રજા માથે બે દિવસનો કર્ફ્યૂ નાખવામાં આવ્યો છે. ચારે તરફ એમ્બ્યુલન્સના અવાજો સંભળાઈ રહ્યા છે અને લોકોમાં ભયનો માહોલ છે, જેને કારણે શહેરમાં અજંપાભરી સ્થિતિ ઊભી થઈ છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે પ્રજા બેરોજગારી અને કોરોનાથી પીડાઈ રહી છે તો બીજી તરફ પ્રજાના કથિત સેવકો ગુમ છે. શહેરના 48 વોર્ડના 192 કોર્પોરેટર અને 17 ધારાસભ્ય તથા બે સાંસદને દૂરબીન લઈને શોધવા જઈએ તોપણ મળતા નથી. આમ, હાલ પ્રજા ભગવાન ભરોસે છે. આ તમામ નેતાઓ તાજેતરમાં પૂરી થયેલી પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન સભા અને રેલીમાં જોવા મળતા હતા, પરંતુ તેમને પ્રજાની વહારે આવવામાં તકલીફ થઈ રહી છે. એમાં પણ મેયર બીજલ પટેલ તો લીંબડી સુધી પ્રચાર કરવા પહોંચ્યાં હતાં.

ચૂંટણી ટાણે દંડવત કરતા નેતાઓ મહામારીમાં મિસિંગ
શહેરના 17 ધારાસભ્યમાંથી ભાજપના 14 અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય, ભાજપના બે સાંસદો હાલ ઘરમાં પુરાઈ ગયા છે. કુલ 17 ધારાસભ્યમાંથી બે તો મંત્રી છે, જેમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલમંત્રી કૌશિક પટેલનો સમાવેશ થાય છે. જોકે હાલ દિલ્હી બનવા જઈ રહેલા અમદાવાદનો કોઈ ભાવ પૂછતું નથી. ચૂંટણી સમયે પ્રજા સમક્ષ સાક્ષાત દંડવત કરતા આ નેતાઓ કેટલી જાડી ચામડીના છે એ અંગે હવે પ્રજા પણ સારી પેઠે જાણી ચૂકી છે. જો મહામારી જેવી સ્થિતિમાં જનતાની વહારે ન આવી શકે તો તે પ્રતિનિધિ શું કામના?

દિલ્હીથી ટીમ દોડી આવી, પણ ધારાસભ્યો કે કોર્પોરેટરો પહોંચી શકતા નથી
હાલ અમદાવાદની પરિસ્થિતિ દિલ્હી કરતાં પણ વણસી ગઈ છે, કારણ કે દિલ્હીમાં દરરોજ 6000 કેસ આવી રહ્યા હોવા છતાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો નથી. જ્યારે અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યૂ લાગુ કર્યો હોવાથી અમંગળનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. જોકે 1000 કિલો મીટર દૂર એવા દિલ્હીથી ડોક્ટરોની ટીમ દોડી આવી છે, પરંતુ પોતાના 5-7 કિલોમીટરના મતવિસ્તારમાં ધારાસભ્યો, કોર્પોરેટરો પહોંચી શકતા નથી.

અમદાવાદમાં સરદાર પટેલ પ્લેગવાળા વિસ્તારમાં જંતુનાશક દવાઓ છંટાવતા
હાલની સ્થિતિમાં સરદાર પટેલની યાદ આવે છે. 1917માં અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. પ્લેગનું નામ સાંભળતાં જ લોકો જીવ મુઠ્ઠીમાં લઇને શહેર છોડીને ભાગવા લાગ્યા હતા. અમદાવાદના રહેવાસીઓ રાતોરાત સ્થળાંતર કરતા હતા. સ્કૂલોને તાળાં મારી દેવાયાં હતાં અને અદાલતોએ ન્યાય આપવાનું બંધ રાખીને કાર્ય-મોકૂફી જાહેર કરી દીધી હતી. આ સમયે વલ્લભભાઇ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં બે માળના છ ઓરડાવાળા મકાનમાં ભાડે રહેતા હતા. રોગચાળો ફાટી નીકળતાં તેમને માથે ઘણી મોટી જવાબદારી આવી હતી. કોઇએ તેમને કહ્યું કે તમે અમદાવાદ છોડીને ચાલ્યા જાઓ. સફાઇ કમિટીના અધ્યક્ષની વાત ભૂલી જાઓ. એવી પણ સલાહ મળતી કે પહેલા જીવ બચાવવાનો વિચાર કરો. જીવ બચશે તો બધું કામ કરી શકશો. આવે સમયે સરદાર લોકોની વચ્ચે જ રહ્યા. તેઓ અમદાવાદ શહેરની સાંકડી શેરીઓમાં ઘૂમતા હતા. ગટરો સાફ કરાવતા હતા. પ્લેગવાળા વિસ્તારમાં જંતુનાશક દવાઓ છંટાવતા હતા.

અમદાવાદના ધારાસભ્યો અને સાંસદોની યાદી

ધારાસભ્યનું નામબેઠકપક્ષ
ભૂપેન્દ્ર પટેલઘાટલોડિયાભાજપ
પ્રદીપસિંહ જાડેજાવટવા
રાકેશ શાહએલિસબ્રિજ
કિશોર ચૌહાણવેજલપુર
કૌશિક પટેલનારણપુરા
જગદીશ પંચાલનિકોલ
બલરામ થાવાણીનરોડા
વલ્લભ કાકડિયાઠક્કરબાપા નગર
જગદીશ પટેલઅમરાઈ વાડી
ગ્યાસુદ્દીન શેખદરિયાપુર
સુરેશ પટેલમણિનગર
અરવિંદ પટેલસાબરમતી
પ્રદીપ પરમારઅસારવા
બાબુ જમના પટેલદસ્ક્રોઈ
ઈમરાન ખેડાવાલાજમાલપુર-ખાડિયાકોંગ્રેસ
શૈલેશ પરમારદાણીલીમડા
હિંમતસિંહ પટેલબાપુનગર
સાંસદનું નામબેઠક
હસમુખ પટેલઅમદાવાદ(પૂર્વ)
ડો.કિરીટ સોલંકીઅમદાવાદ(પશ્ચિમ)

દિવાળીના દિવસથી શહેરમાં નોંધાયેલા કેસ, ડિસ્ચાર્જ અને મોત

14 નવેમ્બર198174
15 નવેમ્બર202199
16 નવેમ્બર210201
17 નવેમ્બર218203
18 નવેમ્બર207205
19 નવેમ્બર230251
20 નવેમ્બર305256
કુલ આંકડો15701489

6 મહિના પહેલાં શહેરની સ્થિતિ ગંભીર બનતાં BJPના બે MLA અને એક MP ગુમ થયાનાં પોસ્ટર વાઈરલ થયાં હતાં
6 મહિના પહેલાં જ્યારે અમદાવાદની સ્થિતિ વણસી ત્યારે 2 ધારાસભ્ય એવા વલ્લભ કાકડિયા અને બાબુ જમના પટેલ તથા સાંસદ હસમુખ પટેલ કોરોના મહામારીમાં ગુમ થયાનાં પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here