ભક્તોને જળાભિષેક કે બીલીપત્ર ચઢાવવા નહીં મળે
ગાંધીનગર. આગામી સોમવારથી દિવાસો અને ત્યારબાદ શ્રાવણ માસનો ગુજરાતમાં પ્રારંભ થશે. પરંતુ કોરોનાને કારણે આ વખતે શ્રાવણ માસ દરમિયાન સાતમ-આઠમના, દિવાસાના કે શિવાલયોમાં ભરાતાં સોમવારના મેળા નહીં યોજી શકાય. ગુજરાત સરકાર ખૂબ ટૂંક સમયમાં આ માટેનો નિર્ણય જાહેર કરશે. આ ઉપરાંત મંદિર-મહાદેવમાં થતી સમૂહપૂજા પર ખાસ મનાઇ રહેશે.
તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગેનો નિર્ણય આમ તો લેવાઇ જ ગયો છે પણ માત્ર જાહેરાત બાકી છે. સરકારની હાઇપાવર કમિટી થકી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને આ માટે સૂચના આપવામાં આવી છે અને તેમના થકી જ આ અંગેના હુકમો બહાર પડાય તેવી પણ શક્યતા છે. કલેક્ટરોએ પોતાના જિલ્લામાં યોજાતા મેળાઓની યાદી સરકારને આપી છે અને આ દિવસો દરમિયાન ત્યાં ભીડ એકત્રિત ન થાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવાશે.
શ્રાવણમાં કાર્યક્રમો યોજી શકાશે નહીં
મેળવડા નહીં પણ શિવાલયોમાં કે અન્ય મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, બીલીપત્ર પૂજા, સમૂહપૂજા, આરતી, સત્સંગ, ડાયરા કે અન્ય સામૂહિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. જે રીતે મુસ્લિમોને રમજાન માસમાં ઘરે રહીને બંદગી કરવા માટે જણાવાયું હતું અને તેનું પાલન કરાવાયું હતું તે જ રીતે શ્રાવણ માસમાં પણ આ નિયમોનું પાલન કરાવાશે. જો કે દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ચૂસ્ત રીતે જળવાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
ના પૂજા, ના હિંડોળા, માત્ર દૂરથી જ દર્શન
તમામ મંદિરોમાં જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા આદેશ આપવામાં આવશે કે તેઓએ કોઇપણ ભક્તને પૂજા કે હાલ ચાલી રહેલા હિંડોળા ઉત્સવમાં પારણું ઝુલાવવા જેવા અધિકાર આપવા નહીં. સામૂહિક આરતી પણ આ સમયમાં બિલકુલ યોજવી નહીં. તમામ લોકો દૂરથી જ દર્શન કરે અને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ ન કરે તેની ખાસ કાળજી લેવાની રહેશે. આ ઉપરાંત પૂજારીઓની સંખ્યા પણ મંદિરમાં મર્યાદિત રહેવી જોઇશે.
ઘરમાં બેસી જુગાર રમશો તો પણ પોલીસ પકડશે
કોરોનાને કારણે ઘરની બહાર ન નીકળવાના સરકારી સૂચનનું પાલન કરીને શ્રાવણીયો જુગાર રમનારા લોકોની સામે પણ પોલીસ સખત પગલાં લેશે. શ્રાવણીયો જુગાર રમવા માટે ઘરોમાં મોટી સંખ્યામાં લોકો ભેગાં થતાં હોવાથી તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, વળી વધુ વ્યક્તિઓ વચ્ચે પાનાની આપ-લે થતી હોવાથી તે પણ જોખમી છે. આમ, પણ ગુજરાતમાં પૈસા-પાનાનો જુગાર પ્રતિબંધિત છે પરંતુ શ્રાવણના બહાને એક જગ્યાએ એકઠા થતાં લોકો પર પણ તવાઇ આવશે અને તેમના વિરુદ્ધ એપિડેમિક એક્ટ હેઠળ પણ ગુન્હો દાખલ થશે.