- આઠ સભ્યોની ટીમમાં કોરોનાની તપાસ કરનાર એક ડોક્ટર પણ સામેલ
- સ્ક્રીનિંગની સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ પણ કરશે
મુંબઈ. અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ છે અને ત્યારબાદ BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ટીમ સવારે નવ વાગે જલસા બંગલે આવી હતી. આ ટીમ આખા બંગલાને સેનિટાઈઝ કરશે. આ જ બંગલામાં ઐશ્વર્યા રાય, દીકરી આરાધ્યા તથા જયા બચ્ચન ક્વૉરન્ટીન છે.
આઠ સભ્યોની ટીમમાં કોરોનાની તપાસ કરનાર એક ડોક્ટર પણ સામેલ છે. ડોક્ટર સ્ટાફનું સ્ક્રીનિંગ કરશે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કામ પણ શરૂ થઈ ગયું છે. સૂત્રોના મતે, જલસા બંગલાની આસપાસમાં રહેલા લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
જલસા બંગલો પ્રતિબંધિત વિસ્તાર જાહેર
બંગલાની તપાસ બાદ તેને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. બંગલાના દરવાજે પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. હવે, કોઈ વ્યક્તિ બંગલાની અંદર નહીં આવી શકે અને કોઈ બહાર નહીં જઈ શકે.

પ્રતિક્ષા તથા જનક બંગલાને પણ સેનિટાઈઝ કરવામાં આવશે
અમિતાભના જલસા ઉપરાંત જનક તથા પ્રતિક્ષા બંગલાને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. દરેક બંગલામાં આઠ-આઠ સભ્યોની ટીમ મોકલવામાં આવી છે. આ ત્રણ બંગલા મુંબઈના પોશ એરિયા જુહૂમાં આવેલા છે.

અમિતાભ-અભિષેકનો RT-PICR ટેસ્ટ પણ પોઝિટિવ
અમિતાભ તથા અભિષેકનો RT-PICR ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમના સ્ટાફ તથા પરિવારના અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ છે.
RT-PICR ટેસ્ટ એટલે શું?
ભારતમાં કોવિડ 19ની તપાસ માટે બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં RT-PICR તથા રેપિટ એન્ટી બોડીઝ ટેસ્ટ. સૌ પહેલાં RT-PICR ટેસ્ટની વાત કરીએ. આનો અર્થ એ છે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેસ ચેન રિએક્શન ટેસ્ટ. આ એક એવી લેબ ટેક્નિક છે, જેમાં RNAના DNAમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન સાથે જોડીને શરીરમાં વાઈરસ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. બીજી એન્ટીબોડી ટેસ્ટમાં બ્લડનો ઉપયોગ થાય છે, જેથી વાઈરસ પ્રત્યે શરીર કેવી પ્રતિક્રિયા આપે છે, તેની તપાસ થાય છે.