‘ગઈકાલ સાંજ સુધી કશું નક્કી નહોતું, પછી અચાનક પરીક્ષાનું નોટિફિકેશન આવ્યું, અમે આજે ખૂબ સ્ટ્રેસમાં પરીક્ષા આપી રહ્યા છીએ’

0
111

કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને 12 વાગ્યાથી પ્રવેશ આપવાનું શરૂ કરાયું હતું

  • ICAI દ્વારા પોતાનું બરાબર ધ્યાન રખાયું ન હોવાની CA ફાઈનલના પરીક્ષાર્થીઓની વ્યાપક ફરિયાદ
  • અમદાવાદ શહેરના 19 સેન્ટરમાં પરીક્ષા શરૂ થઈ ગઈ, સેનિટાઈઝેશન-માસ્કની પૂરતી વ્યવસ્થા કરાઈ

ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફાઈનલની ફાઈનાન્સિયલ રિપોર્ટિંગની પરીક્ષા ભારે અસમંજસ બાદ અમદાવાદ શહેરમાં 19 સેન્ટર પર આખરે આજે યોજાઈ છે. ગઈકાલ સાંજ સુધી આ પેપર મોકૂફ રહે તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે મોડી સાંજે પરીક્ષાર્થીઓને આજે જ પરીક્ષા હોવાનું નોટિફિકેશન મળ્યા છે. આ કારણે ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું સ્ટ્રેસ લેવલ ખૂબ વધી ગયાની તેમજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા પોતાનું બરાબર ધ્યાન રખાયું ન હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. બીજીતરફ તમામ સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે.

સેન્ટરમાં માસ્ક અને સેનિટાઈઝેશનની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી

સેન્ટરમાં માસ્ક અને સેનિટાઈઝેશનની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી

‘ICAIમાં જ નક્કી નહોતું, છેક કાલે સાંજે પરીક્ષાનું નોટિફિકેશન આવ્યું’
ન્યુઝ અપડેટ્સ ની ટીમે સેટેલાઈટ કામેશ્વર સ્કૂલ ખાતેના સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરતાં જણાયું હતું કે, પરીક્ષાની તારીખ છેક સુધી અનિશ્ચિત રહેવા અંગે તેમનામાં આક્રોશ હતો. એક વિદ્યાર્થીએ ત્યાં સુધી કહ્યું હતું કે, ગઈકાલ સાંજ સુધી એવું જ મનાતું હતું કે આ પરીક્ષાની તારીખ પોસ્ટપોન થશે. પરંતુ આજે પરીક્ષા હોવાનું નોટિફિકેશન છેક ગઈકાલે મોડી સાંજે આવ્યું હતું. આ કારણે અમારે તૈયારી કરવામાં ભારે અસમંજસ રહી હતી. આ જોતાં તો ICAIમાં જ છેવટ સુધી પરીક્ષા લેવાનું નક્કી નહોતું તેમ લાગતું હતું.

કર્ફ્યૂની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસનું લેવલ ખૂબ વધી ગયું હતું

કર્ફ્યૂની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસનું લેવલ ખૂબ વધી ગયું હતું

વિદ્યાર્થીઓએ કહ્યું, ICAIએ અમારી બરાબર કાળજી લીધી નથી
CA ફાઈનલની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિને કારણે આમેય પરીક્ષાની તારીખો અંગે અગાઉથી દ્વિધા હતી. અમદાવાદમાં અચાનક જ શુક્રવારે પહેલાં રાત્રિ કર્ફ્યુ અને પછી શનિ-રવિના ચોવીસે કલાકના કર્ફ્યૂની જાહેરાત સરકારે કરી તો ICAIએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાની જરૂર હતી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસનું લેવલ ખૂબ વધી ગયું હતું.

વિદ્યાર્થીઓ સેનિટાઈઝર-માસ્ક સાથે સજ્જ થઈ સેન્ટરો પર પહોંચ્યા
અમદાવાદના તમામ સેન્ટરો પર પરીક્ષા 2 વાગ્યાથી શરૂ થઈ હતી પરંતુ કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને 12 વાગ્યાથી પ્રવેશ આપવાનું શરૂ કરાયું હતું. વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝેશન ફરજિયાત બનાવાયા હતા. જો કે, લગભગ બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે સેનિટાઈઝર અને માસ્ક લઈને જ પહોંચ્યા હતા. આમ છતાં સેન્ટરો તરફથી આ માટેની સુવિધા કરવામાં આવી હતી. પરીક્ષાખંડોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઝીગ-ઝેગ પેટર્નમાં એક બેન્ચ પર ફક્ત એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા.

સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 50-50 વિદ્યાર્થીના લોટમાં પ્રવેશ અપાયો

સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 50-50 વિદ્યાર્થીના લોટમાં પ્રવેશ અપાયો

પરીક્ષા સેન્ટરોમાં સેનિટાઈઝેશન-વિદ્યાર્થીઓની પૂરેપૂરી સુવિધા કરાઈ
સેટેલાઈટની કામેશ્વર વિદ્યાલય ખાતે ફાળવાયેલા સેન્ટરના સુપરિન્ટેન્ડેન્ટ બિંદેશ દવેએ ન્યુઝ અપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં 180 વિદ્યાર્થીઓ બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી પરીક્ષા આપશે. અહીં સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સની સુવિધા કરતા 12.30 વાગ્યાથી 50-50 વિદ્યાર્થીના લોટમાં પ્રવેશ અપાશે. સેન્ટરમાં માસ્ક અને સેનિટાઈઝેશનની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here