સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે
રાજકોટ. ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ઘોઘાવદર ગામમાં રહેતા મગનભાઇ મનજીભાઇ કુંભાળીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી મામલતદાર, આરોગ્ય ટીમ પોલીસ સ્ટાફ સાથે ઘોઘાવદર ગામે પહોંચી છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની તજવીજ હાથ ધરી છે. જસદણના જંગવડ ગામના માવજીભાઇ ગોવિંદભાઇ નારીગરા (ઉ.વ. 75)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે. જંગવડમા અગાઉ એક કેસ આવ્યા બાદ ફરી આજે કોરોના પોઝિટિવ આવતા સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો છે. માવજીભાઈ ચાર દિવસ પહેલા સુરતથી તેમના પુત્રને મળી જંગવડ આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં કેસની સંખ્યામાં વધારો
સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 645 કેસ, ભાવનગરમાં 579 અને જૂનાગઢમાં 263 કેસ નોંધાયા છે. સૌથી વધુ કોરોના કેસની સંખ્યા છેલ્લા એક સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં વધી રહી છે. ભાવનગર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.