કોરોનાના વધતા દર્દીઓ વચ્ચે વેક્સિનની કિંમતોની પણ વિવિધ કંપનીઓ દ્વારા જાહેરાત કરાઈ રહી છે. કોરોનાની અક્સીર વેક્સિન વિકસાવી હોવાનો દાવો કરી રહેલી અમેરિકન કંપની મોડર્નાના સીઇઓ સ્ટીફન બેંસેલે કહ્યું હતું કે મોડર્નાની કોરોના રસીના એક ડોઝની કિંમત 25થી 37 ડોલર વચ્ચે (આશરે રૂ. 1850થી 2750) હશે. કેટલાક અહેવાલો પ્રમાણે, ફાઈઝરના એક ડોઝની કિંમત 19.5 ડોલર (આશરે રૂ. 1450) હોઈ શકે છે. આ પહેલાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા પણ કોરોના વેક્સિનની સંભવિત કિંમતની માહિતી આપી ચૂક્યા છે.
બીજી તરફ, રશિયાએ કહ્યું હતું કે અમારી વેક્સિન સ્પુતનિક-5ના એક ડોઝની કિંમત મોડર્ના અને ફાઈઝર જેવી મોટી કંપનીઓની તુલનામાં ઘણી ઓછી હશે. આ રસી રશિયાનું ગામલેય રિસર્ચ સેન્ટર વિકસિત કરી રહ્યું છે. તેણે 11 ઓગસ્ટના રોજ દુનિયાની પહેલી રસી તરીકે સ્પુતનિક-5નું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે, કેન્દ્ર સરકારે એ કંપનીઓની વેક્સિનના ઉપયોગની મંજૂરી અને એના માળખાને લગતી સંભાવનાઓ ચકાસવાનું શરૂ કર્યું છે. આ સાથે તેના લાઇસન્સની પ્રક્રિયા પણ શરૂ થઈ છે.