કોરોના વેકસીનના બારણે ટકોરા! કાલે તમામ CM સાથે PMની મીટીંગ

0
219

તહેવારો બાદ સંક્રમણ ખૂબ વધતા અંતિમ ટ્રાયલમાં રહેલી રસીના ઈમરજન્સી ઉપયોગ માટે પણ ભારત સરકાર તૈયાર : ડીમાન્ડ-સપ્લાય વિશે ચર્ચાની સંભાવના: ડિસે.ના અંતમાં કે જાન્યુઆરીના પ્રારંભે વેકસીન પહોંચી જવા નિતીનભાઈ પટેલને પણ આશા

ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના પ્રારંભે કોરોના પ્રતિ રોધક રસી આવવાની સંભાવના વચ્ચે આવતીકાલે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પુરા દેશના મુખ્યપ્રધાનો સાથે વિડીયો કોન્ફરન્સ મીટીંગ રાખી છે. જેમાં ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા થવા સંભાવના છે તો કોરોના કહેર ઘટતો ન હોય વેકસીનના ઈમરજન્સી ઉપયોગ માયે પણ વિચારણા શરૂ થઈ ગઈ છે.


દેશમાં કોરોના વાયરસના કેસ વધી જ રહ્યાં છે. આથી સરકારે તમામ વિકલ્પો પર વિચાર કરવાનું શરુ કર્યુ છે. સરકાર કોરોના વાયરસના વેકસીનના ત્રીજા તબકકાના કિલનીકલ પરીક્ષણ અને તેના નિયમિત લાયસન્સ આપવાની પ્રક્રિયા વધતી હોવા વચ્ચે વેકસીનનો ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ કરવા અંગે વિચારણા કરી રહી છે.


એક બેઠકમાં આ સાથે જ વેકસીનની કિંમત સહિત તેની અગ્રીમતા ખરીદ પ્રતિબદ્ધતાના વિષય પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જેમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારના વિજય રાઘવન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ભાગ લીધો હતો.


એ નકકી થયું હતું કે વડાપ્રધાન કાર્યાલયે જે ટીમ બનાવી છે અને વેકસીન ટાસ્ક ફોર્સ ઈમરજન્સીમાં વેકસીનના ઉપયોગની સ્વીકૃતિ આપવાના માપદંડ નિર્ધારિત કરશે તો કોવિડ 19 માટે વેકસીન વહીવટી તંત્ર પર રાષ્ટ્રીય એકસપર્ટસ સમૂહને વેકસીનની કિંમત સહીત અગ્રીમતા તેમજ બજારમાં ઉપલબ્ધતાના સિદ્ધાંત નકકી કરવામાં અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ.


આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો જયારે ફાઈઝર કંપનીએ અમેરિકન રોકાણકારોને કોવિડ 19ના વેકસીનના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી માંગવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરી હતી. અમેરિકાની અન્ય એક કંપની મોડર્નાએ કહ્યું છે કે તે આવતા અઠવાડીયામાં ઈમરજન્સી ઉપયોગના અધિકાર માટે અરજી કરશે. આ દરમિયાન ભારતમાં પાંચ વેકસીન કિલનીકલ ટ્રાયલના અલગ અલગ તબકકામાં છે.


સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા આ સમયે ઓકસફોર્ડ-એસ્ટ્રેજેનેકાના ત્રીજા તબકકાનું પરીક્ષણ શરુ કરી રહ્યું છે તો ભારત બાયોટેક અને આઈસીએમઆરે સ્વદેશી વિકસીત કોવેકસીનના ત્રીજા તબકકાનું ટેસ્ટીંગ શરુ કરી દીધું છે. ઝાયડસ કેડીલા દ્વારા સ્વદેશ વિકસીત વેકસીને દેશમાં બીજા તબકકાનું કિલનિકલ પરીક્ષણ પણ પુરું કર્યું છે.


ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ટુંક સમયમાં જ રશિયાની વેકસીન સ્પુતનીક-5ના ભારતનાં બીજા અને ત્રીજા તબકકાના સામુહિક પરીક્ષણ શરૂ કરશે. સૂત્ર અનુસાર વેકસીન ટાસ્ક ફોર્સની એક બેઠકમાં એકસપર્ટસ પણ હાજરી આપશે. જેમાં દુનિયાભરમાં વેકસીનની વૈજ્ઞાનિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને વિચાર કરવામાં આવશે કે વેકસીનના ઉપયોગને ઓફીશ્યલ કરવા અંગે નિર્ણય કયારે અને કેવી રીતે લેવામાં આવશે.


દરમ્યાન ગુજરાત સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના સામેની મહામારી સામે લડી રહ્યો છે. દિવાળી પછી રાજયમાં કોરોનાએ ઉથલો માર્યો છે અને દૈનિક કેસો સતત વધી રહ્યા છે. જેને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના રોજ દરેક રાજયના મુખ્યપ્રધાનો સાથે વેકસીન અંગેની કાર્યવાહી કેવી રીતે કરવી? એનું વિતરણ કેવી રીતે કરવું? અને ચેઈન કેવી રીતે ગોઠવવી? વેકસીન આવે તો એને કેવી રીતે સાચવવી? તેના સંદર્ભે ચર્ચા વિચારણા હાથ ધરનાર છે.


ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોનાની રસી મુદે જણાવ્યું હતું કે, બધા ભારતીયોને આનંદ થાય એવા સમાચાર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય કક્ષાએ વેકસીન આપવા માટે, દરેક નાગરિકોને વેકીસન આપવા માટે જે તૈયારીઓ કરવાની છે, એ તૈયારી ભારત સરકાર દ્વારા ખૂબ ઉચ્ચ કક્ષાએ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે વડાપ્રધાન દ્વારા મંગળવારે દેશના બધા જ મુખ્યપ્રધાનો સાથે વિડીયો કોન્ફરન્સથી મીટીંગ આયોજન કરાયું છે.


તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન કોરોના વેકસીનના મામલે સતત અન્ય દેશો સાથે પરામર્શ કરીને દેશમાં વેકસીન કેટલી ઝડપથી પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જેને ફળસ્વરૂપે દેશમાં વેકસીન આવી રહી છે. ચાર કંપનીઓની વેકસીન ચોથા તબકકામાં છે. થોડા સમયમાં આપણને વેકસીન મળશે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે એટલે હવે જેમ આપણે કહીએ છીએ ને કે દરવાજે ટકોરા વાગી રહ્યા છે, જેમ ઘડીઓ ગણાઈ રહી છે. શકય છે કે ડિસેમ્બર આખર સુધીમાં અથવા તો જાન્યુઆરીની શરુઆતમાં વેકસીન આવી જાય.


વેકસીન આવ્યા પછી પણ દેશના 130 કરોડ નાગરિકોને વેકસીન આપવી, ગુજરાતના 6 કરોડ 30 લાખ નાગરિકોને વેકસીન આપવી. માર્ગદર્શન મળે એ પ્રમાણે પ્રાયોરીટી બધું જ કરવાનું કામ ભારત સરકારે રાજય સરકારો સાથે સંકલન કરીને વડાપ્રધાને ખૂબ મોટા પ્રમાણમાં હાથ ઉપર લીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here