વેક્સિન અને વિશ્વને હાથવેંતનું છેટું: અમેરિકા, જર્મની, બ્રિટન ડિસેમ્બરમાં થશે ‘રસીયુક્ત’

0
116

અમેરિકામાં 11 ડિસેમ્બરથી જ વેક્સિન આપવાનું શરૂ કરાશે: ફાઈઝર અને બાયોએનટેકે ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી: 95 ટકા અસરકારક આ વેક્સિનની કિંમત 1500 રૂપિયા

છેલ્લા નવ-નવ મહિનાથી કોરોના નામના રાક્ષસને નાથવા માટે મથામણ કરી રહેલા વિશ્ર્વને હવે વેક્સિનરૂપી હથિયાર મળી ગયું છે. ભારતમાં પણ નજીકના દિવસોમાં જ લોકોને વેક્સિન મુકાવાની શરૂ થઈ જવાની છે. જો કે તે પહેલાં અમેરિકા, જર્મની, બ્રિટન, સ્પેન સહિતના દેશોમાં ડિસેમ્બરથી લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થઈ જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્યારે વિશ્ર્વમાં સૌથી ખરાબ હાલત અમેરિકામાં છે અને કેસ તેમજ મોતના મામલે અમેરિકા નંબર વન છે. અહીંના લોકો અને જો બાઈડનની આવનારી નવી સરકાર માટે એક સારા સમાચાર છે. અમેરિકામાં 11 ડિસેમ્બરથી લોકોને વેક્સિન આપવાનું શરૂ થઈ જનાર હોવાનું વેક્સિન ટાસ્ક હેડ મોન્સેફ સલોઈએ જાહેર કર્યું છે. આ અંગે જરૂરી મંજૂરી મળી ગયા બાદ તુરંત જ લોકોને વેક્સિન મળી રહે તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમેરિકાના તમામ રાજ્યો પણ પોતપોતાની રીતે સજ્જ બની ગયા છે. અમેરિકામાં 10 ડિસેમ્બરે એફડીએની મહત્ત્વની બેઠક મળવાની છે અને તેમાં આ વેક્સિનેશનને બહાલી આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. અમેરિકી દવા કંપની ફાઈઝર અને જર્મનીની તેની ભાગીદારી બાયોએનટેકે પોતાની કોવિડ-19 વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ તંત્ર (એફડીએ)માં અરજી કરી છે. આ બન્ને વેક્સિન 95 ટકા અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેની કિંમત 1500 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
આવી જ રીતે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે જણાવ્યું કે દેશમાં વેક્સિનેશનનું કામ જાન્યુઆરીમાં શરૂ કરી દેવામાં આવશે. આ માટે સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે અને ત્રણ મહિનાની અંદર જ આખા દેશને વેક્સિન મળી રહે તેવા અમારા પ્રયાસો રહેશે. જ્યારે બ્રિટન પણ ડિસેમ્બરમાં જ વેક્સિનેશન શરૂ કરવાની વેંતરણમાં હોવાનું બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here