50 જેટલા ગામના સરપંચોએ પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
- મહિલા સરપંચના પતિને માથાભારે તત્વો ધમકી આપતા હતા
રાજકોટના રાણપુર(નવાગામ)ના મહિલા સરપંચના પતિ પર થોડા દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. સરકારી જમીનમાં થયેલા દબાણો દૂર કરવા મામલે મહિલા સરપંચના પતિ સમજાવવા ગયા હતા. પરંતુ ગ્રામજનોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવના વિરોધમાં આજે 50 ગામના સરપંચ એકત્ર થઈ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને કલેક્ટર રેમ્યા મોહનને આવેદન પાઠવી સ્વરક્ષણ માટે હથિયાર માટે મંજૂરી આપવા માગ કરી હતી.
રાણપુરમાં ખરાબાની જમીનમાં માથાભારે તત્વોનો કબ્જો મહિલા સરપંચના પતિ સંજયભાઈ ભીમજીભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, રાણપુરમાં ખરાબાની જમીનમાં ગેરકાયદેસર માથાભારે તત્વો કબ્જો કરતા હતા. આથી હું તેમને સમજાવવા ગયો હતો. પરંતુ આ સાત-આઠ શખ્સોએ મારા પર છરી, ધોકા-પાઈપ અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આથી મારા માથામાં ટાંકા આવ્યા છે. આ લોકોએ મને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ જ કહેલું કે તારે ગામમાં નીકળવું ભારે પડશે. આ અંગે તારે પોલીસમાં જાણ કરવી હોય તો કર. આવી ધમકીઓ આપી મારા પર હુમલો કર્યો હતો.

રાણપુરના મહિલા સરપંચના પતિ સંજયભાઈ રામાણી
સ્વરક્ષણ માટે હથિયાર માટે મંજૂરી આપવા માગ
સંજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે અમે આજે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં અમારી માગણી છે કે, આવા માથાભારે શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવો. જેથી અમારા પર વારંવાર થતા હુમલા અટકે અને માથાભારે તત્વોને કાયદાનું ભાન થાય. આત્મરક્ષણ માટે અમને હથિયાર આપવાની મંજૂરીની પણ માગ કરી છે. જેથી અમે અમારૂ રક્ષણ કરી શકીએ.