દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનની લોકો રાહ જોઈ રહ્યા છે. અલગ અલગ દેશની વેક્સિન ટ્રાયલ થઈ રહી છે. એવામાં હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના ટ્રાયલ ટેસ્ટિંગ માટે આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે 5.30 વાગે કોરોના વેક્સિન દિલ્હીથી ફ્લાઇટ મારફત અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી વેક્સિન સોલા સિવિલ જશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા સિવિલ ખાતે 1000 જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
રાજ્યમાં રસીની ટ્રાયલ ફરી શરૂ થશે
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં સ્થગિત કરાયેલું કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે આ સપ્તાહના મધ્યભાગ બાદ ગમે ત્યારે શરૂ કરાશે. અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું, એમ રાજ્ય સરકારનાં સૂત્રો જણાવે છે.
હજાર લોકો પર પરીક્ષણ થશેઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવાર કે ગુરુવાર સુધીમાં જ કોરોનાની રસી ગુજરાત આવી જશે અને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એનો સંગ્રહ કરાશે. ત્યાર બાદ ગુજરાત સરકારે જે પાંચ હોસ્પિટલમાં આ રસીનાં પરીક્ષણની મંજૂરી આપી છે ત્યાં સમગ્રતયા 1,000 લોકો પર આ રસીનું પરીક્ષણ કરાશે. કેસો વધવાને કારણે હોસ્પિટલોમાં પથારી ઘટી રહી હતી અને પરીક્ષણ માટે તૈયાર થનારા સ્વયંસેવકોને પણ કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશનમાં જ રાખવાના હોવાથી આ પરીક્ષણ પાછું ઠેલવાનો નિર્ણય લેવાયો હતો.
કોવિક્સિનની અસર 70 ટકા
ભારત સરકારની ભારત બાયોટેકે વિક્સાવેલી આ સ્વદેશી રસી કોવેક્સિનની અસરકારકતા 70 ટકા હોવાનું જણાવાયું છે, જે ઘણાં સારાં પરિણામ કહી શકાય. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ગયા સપ્તાહે જ શરુ થઇ ગયું હતું, જાણકારોના મતે, સ્વયંસેવકોના શરીરમાં રસીનો પહેલો ડોઝ અપાયા બાદ તેના લોહીના પરીક્ષણ તથા અન્ય પરીક્ષણોને આધારે તેનાં પરિણામો ચકાસાય છે, ત્યાર બાદ 21મા દિવસે બીજો ડોઝ આપીને 48 દિવસ સુધી તેના સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જો આ દરમિયાન કોઇ વિપરીત પરિણામો ન મળે તો કેન્દ્ર સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગની મંજૂરી આપશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને માર્ચ 2021માં આ રસી આવશે તેમ જણાવ્યું હતું.