WHOનાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથે કહ્યું- ઓક્સફોર્ડની વેક્સીનનાં પરિણામો ઉત્સાહિત છે
કોરોનાવાઈરસ મહામારીને અટકાવવા માટે વેક્સીન બનાવતી કંપનીઓની તરફથી સારા સમાચાર આવવાનું શરૂ થઈ ગયું છે. ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની કોરોનાવાઈરસ વેક્સીન-કોવિશીલ્ડ મોટાપાયે હ્યુમન ટ્રાયલમાં 70% અસરકારક રહી. કંપનીનો દાવો છે કે, વેક્સીન 90% સુધી અસરકારક હોઈ શકે છે.
આ દરમિયાન ભારતમાં આ વેક્સીનને બનાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના જણાવ્યા પ્રમાણે, તેનું ધ્યાન સૌથી પહેલાં ભારતમાં વેક્સીનનું વિતરણ કરવા પર છે. SII આ વેક્સીન 222 રૂપિયામાં સરકારને આપશે અને જો કોઈ વ્યક્તિ તેને વ્યક્તિગત સ્તરે લગાવવા માગે છે તો તેને 1,000 રૂપિયા આપવા પડશે. તેમજ રશિયાએ ખાતરી આપી છે કે, અમેરિકામાં વિકસિત થઈ રહેલી ફાઈઝર અને મોડેર્નાની વેક્સીનની સરખામણીમાં તેની વેક્સીન સ્પુતનિક V સસ્તી હશે.
ઓક્સફોર્ડની વેક્સીનની સફળતા મહત્ત્વપૂર્ણ
ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની વેક્સીનની અસરકારકતા અને સેફ્ટીની સંપૂર્ણ વિશ્વમાં સકારાત્મક અસર થશે. વેક્સીનને સપ્લાય કરવી સરળ છે. તેને 2થી 8 ડિગ્રી સે. સુધી તાપમાનમાં સ્ટોર કરી શકાય છે. આ કારણે પ્રથમ 3 વેક્સીન ફાઈઝર, મોડેર્ના અને રશિયાની સ્પૂતનિક Vએ 90% ઈફેક્ટિવ હોવાનો દાવો કર્યો છે, પરંતુ સમસ્યા એ છે કે ફાઈઝરની વેક્સીનને માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવી પડે છે. અર્થાત્ તેના માટે હાલની કોલ્ડ ચેઈન અને રેફ્રિજરેશન સુવિધા અપગ્રેડ કરવી પડશે.
ઓક્સફર્ડની વેક્સીનની કિંમત શું હશે?
SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, જો કોઈ પ્રાઈવેટ રીતે વેક્સીનની ખરીદી કરવા માગે છે તો તેને 1 ડોઝ 1,000 રૂપિયામાં મળશે. સરકારને તે માત્ર 222 રૂપિયામાં મળશે. જાન્યુઆરી 2021 સુધી 10 કરોડ વેક્સીનનો સ્ટોક તૈયાર કરવામાં આવશે અને માર્ચ સુધી 40 કરોડ ડોઝ ડિલિવરી માટે તૈયાર થશે. આ જ રીતે 2021ના અંત સુધી 300 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્યાંક છે. પૂનાવાલાએ કહ્યું કે, કંપનીનું ફોકસ વેક્સીનને સૌ પ્રથમ ભારતમાં ડિલીવર કરવાનું છે. ત્યારબાદ ડીલ્સને આધારે અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવશે.
રશિયાએ કહ્યું-સ્પુતનિક V સૌથી સસ્તી વેક્સીન હશે
રશિયાએ દાવો કર્યો છે કે, તેની વેક્સીન સ્પુતનિક V પશ્ચિમી દેશોની પ્રતિસ્પર્ધી કંપનીઓ અર્થાત્ ફાઈઝર અને મોડેર્નાની વેક્સીનની સરખામણીએ સસ્તી હશે. જોકે, રશિયાએ તેની વેક્સીનની કિંમત જણાવી નથી ન તો તેની અન્ય ડિટેલ સામે આવી છે. ફાઈઝરે શનિવારે તેની ફોર્મ્યૂલા ઈમર્જન્સી અપ્રૂવલ માટે USFDA સામે રજૂ કર્યા છે. 2 ડોઝની કિંમત 2900 રૂપિયા હોઈ શકે છે. તો મોડેર્નાની વેક્સીનના 2 ડોઝની કિંમત 3700 રૂપિયાથી લઈ 5400 રૂપિયા હોઈ શકે છે.
ભારતમાં ફાઇઝરની વેક્સીનની જરૂર નથીઃ સ્વાસ્થ્ય મંત્રી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ભારપૂર્વક જણાવ્યું કે, ભારતમાં જે વેક્સીનની ટ્રાયલ્સ ચાલી રહી છે તેનાં પરિણામો ઉત્સાહજનક રહ્યાં છે. તેને કારણે ભારતને ફાઈઝરની વેક્સીનની જરૂર નહીં પડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હર્ષવર્ધને કહ્યું કે, ફાઈઝર-બાયોટેક વેક્સીન પર વિચાર કરવાનો કોઈ અર્થ નથી સરતો. તેને તો હજી અમેરિકામાં પણ મંજૂરી નથી મળી. જો મંજૂરી મળી જાય તો તે વેક્સીન પહેલાં અમેરિકા અને ત્યારબાદ વિશ્વના અન્ય દેશોમાં પહોંચશે. ભારતમાં અત્યારે પાંચ વેક્સીનનાં હ્યુમન ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે. ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની વેક્સીનની ટ્રાયલ SII કરી રહ્યું છે. તેમજ, ભારત બાયોટેકના સ્વદેશી કોવેક્સિનની ફેઝ-૩ની હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. તેના ફેઝ -2નાં પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. તે જ રીતે, કેડિલા હેલ્થની રસી ZyCovD પણ ફેઝ-2 પૂરો કરી ચૂકી છે. આ ઉપરાંત, ડૉ. રેડ્ડીઝ લેબ્સે રશિયાની વેક્સીન સ્પુતનિક V ના ફેઝ-2/3 ટ્રાયલ્સની મંજૂરી મેળવી લીધી છે. હૈદરાબાદની બાયોલોજિકલ Eની વેક્સીન કેન્ડિડેટ પણ ફેઝ-1/2 ટ્રાયલ પાઇપલાઇનમાં છે.
WHOને પણ ઓક્સફર્ડ વેક્સીન પાસેથી અપેક્ષા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું કે, વેક્સીનના અંતિમ આંકડા હજી બહાર આવ્યા નથી. તેમ છતાં, પ્રારંભિક પરિણામો પ્રોત્સાહક છે. તેમણે અન્ય વેક્સીન ડેવલપર્સને પણ કહ્યું કે તેઓ વિશ્વની 7.2 અબજ વસ્તી માટે પૂરતા પ્રમાણમાં ડોઝ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, આ રસી 90% સુધી અસરકારક રહેશે. પરંતુ તેનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે.