એ લાંબું ખેંચી નહીં શકે, તૃણમૂલ કોંગ્રેસના નેતા બોલ્યા
– અગાઉ એણે ભાજપની નેતાગીરીને ના પાડી હતી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ટોચના ખેલાડી સૌરવ ગાંગુલીને પોતાના ચહેરા તરીકે પસંદ કર્યા હતા. અગાઉ જો કે સૌરવે ભાજપની નેતાગીરીને ના પાડી હતી કે મને ક્રિકેટમાં રસ છે, રાજકારણમાં રસ નથી માટે મને ચૂંટણીના રાજકારણમાં જોડો નહીં, પ્લીઝ…
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે ગયા ત્યારે પણ સૌરવને મનાવવાના પ્રયાસો થયા હતા. પરંતુ વાત જામી નહોતી. આ વખતે સૌરવે હા પાડી હોવાના અહેવાલ હતા.
જો કે એના પ્રતિભાવ રૂપે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રૉયે કહ્યું હતું કે સૌરવ ભલે ભાજપમાં જોડાય, એ લાંબું ટકી નહીં શકે. મને એના સ્વભાવ અને વિચારોનો પૂરેપૂરો ખ્યાલ છે. ભાજપની નીતિ સૌરવને અનુકૂળ નહીં આવે. રૉયે વધુમાં કહ્યું કે સૌરવ રાજકારણમાં આવે એ મને નહીં ગમે. સૌરવ દરેક બંગાળી માટે એક આઇકન છે. એ ક્રિકેટનો બેતાજ બાદશાહ રહ્યો છે. રાજકારણમાં એનું કામ નથી. રાજકારણનું એનું કોઇ બેકગ્રાઉન્ડ પણ નથી. એટલે એ લાંબો સમય ભાજપ સાથે રહી નહીં શકે.