ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કરવા અને ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે વિગતવાર વાત કરીએ તો બે દિવસ પહેલા આણંદ જિલ્લાના તારાપુરમાં ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કરવા બદલ પીઆઈ સહિત 50થી 70 લોકો સામે તોડફોડ અને દૂકાનમાં લૂંટ કરવાનો કેસ તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.
આ મામલામાં આરોપી તરીકે સામેલ આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ડી.એસ. ગોહીલ સામે કડક કાર્યવાહી કરવા ડીજીપી આશિષ ભાટીયાએ આદેશ આપ્યો હતો. જે બાદ અમદાવાદ રેન્જ આઈ.જી.પી દ્વારા પી.આઈ ડી.એસ ગોહિલને સરસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તો બીજી બાજુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયા કોસંબા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈની બેદરકારી સામે આવી હતી. જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાના આદેશ બાદ બેદરકારી દાખવનાર પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. નોંધપાત્ર વાત એ છે કે, ગુજરાતના ડીજીપીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.