નવી દિલ્હી, તા. 27 નવેમ્બર 2020, શુક્રવાર
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 6 દર્દીઓના મોત બાદ સુપ્રીમ કોર્ટે ફરી એક વખત દેશમાં કોરોનાની સ્થિતિને લઈને નારાજગી વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં કહ્યુ છે કે, દેશમાં સરઘસો નીકળી રહ્યા છે અને 80 ટકા લોકો માસ્ક પહેર્યા વગર નિકળતા હોય તેવુ લાગે છે, બાકીના લોકો મોઢા પર લટકાવવા માટે માસ્ક રાખે છે તેમ લાગે છે.કોરોનાની ગાઈડલાઈન તો છે પણ તેના પાલન માટેની ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને આશ્વસાન આપ્યુ હતુ કે, દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને બેઠક યોજવામાં આવશે અને આ માટેની સૂચનાઓ પણ અપાશે.કેન્દ્ર સરકારે કોર્ટને કહયુ હતુ કે, કોવિડને રોકવા માટેની ગાઈડ લાઈનનુ પાલન કરવા સખ્ત ઉપાયો કરવામાં આવ્યા છે.દેશમાં કોરોનાની બીજી લહેર વધારે મજબૂત છે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, કોરોનાથી બચવા માટેની તકેદારીનુ સખ્તાઈથી પાલન થાય તેની જરુર છે.રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવવા માટે રાજકારણથી ઉપર ઉઠીને સાથે આવવુ પડશે.