News Updates
RAJKOT

રાજકોટમાં નવો સાઉથ ઝોન બનશે:માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ કરાશે, ચૂંટણીને ધ્યાને રાખી મ્યુનિ. કમિશનરે સૂચવેલ 17 કરોડનો કરબોજ સ્ટેન્ડિંગે ફગાવ્યો

Spread the love

સિનિયર સીટીઝનો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટીબસ- BRTSમાં આજથી નિઃશુલ્ક મુસાફરી કરાવાશે

રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2843.51 કરોડનું બજેટ મંજૂર કરવમાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનર દ્વારા 17.77 કરોડનો કરબોજ જનતા પર મૂકવામા આવ્યો હતો જેને ફગાવી દઈ કરબોજમુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં પ્રથમ વખત ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને ગ્રાન્ટ રૂ.15 લાખ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં હવે નવો સાઉથ ઝોન બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. તેમજ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું પણ નવિનીકરણ કરાશે.

વોર્ડ ન. 3, 11, 18માં નવા કોમ્યુનિટી હોલ બનશે
આજે બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, સિનિયર સિટીઝનો તેમજ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટીબસ તેમજ BRTS બસ સેવામાં આજથી નિઃશુલ્ક મુસાફરી આપવામાં આવશે. આ સાથે કોર્પોરેટરોને વિકાસ કામો માટેની ગ્રાન્ટમાં વધારો કરી આપવામાં આવ્યો છે. જેમાં 5 લાખનો વધારો આપવામાં આવ્યો છે. હાલના સમયે વાર્ષિક 15 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે, જેને ચાલુ વર્ષથી રૂ.20 લાખ ચૂકવવામાં આવશે. આ સાથે વોર્ડ નંબર 3, 11 અને 18માં એક-એક નવા કોમ્યુનિટી હોલ બનાવવા જાહેરાત કરવામાં આવી છે.

સાઉથ ઝોન બનાવવા માટે 6 કરોડની જોગવાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો વિસ્તાર વિકસતો જઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી નવો ઝોન ઉમેરવા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં રાજકોટમાં સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કાર્યરત છે. હવે સાઉથ ઝોન નવો બનાવવામાં આવશે. જેમાં વોર્ડ નંબર 15, 16, 17 અને 18ના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે. આ માટે રૂ. 6 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના રેસકોર્સ સ્થિત માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે. જે માટે રૂ. 1.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આંગણવાડી માટે 3 કરોડની જોગવાઈ
રાજકોટ મહાનગરપાલિકાના વિભાગની કુલ 364 આંગણવાડીઓ પૈકી 63 આંગણવાડીઓ હાલ ભાડાના મકાનોમાં કાર્યરત છે, જે તબક્કાવાર રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની હયાત મિલકતોમાં શિફ્ટ કરવામાં આવશે અથવા નવું બાંધકામ કરી તેમાં શિફ્ટ કરવામાં આવશે, જે માટે આ બજેટમાં રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે તમામ આંગણવાડીઓમાં ફિઝિબિલિટી ચકાસી જરૂરિયાત મુજબ અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક/ઓવર હેડ ટેન્ક તેમજ સબમર્સિબલ પંપ મૂકવામાં આવશે. તેમજ આંગણવાડીમાં આવતા બાળકોને પીવા માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માટે આંગણવાડી ખાતે વોટર કુલર તથા વોટર પ્યુરિફાઇ મૂકવામાં આવશે. જે માટે આ બજેટમાં રૂ.2.1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સાડા ચાર કરોડના ખર્ચે નવું સ્મશાન બનાવાશે
રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્ર, લાઇબ્રેરી, આંગણવાડીઓ, સંચાલિત મિલકતોમાં વીજળીના બિલ ઘટાડવા માટે રૂફટોપ ફિટ કરવામાં આવશે. આ માટે રૂ.2.5 કરોડની જોગવાઈ કરવામાં આવ્યા છે. મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રૂ.4.5 કરોડના ખર્ચે નવું સ્મશાન બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટના વોર્ડ નંબર 3માં નવી લાયબ્રેરી રૂ. 1 કરોડના ખર્ચે બનાવવા જોગવાઈ કરવામાં આવી છે.

રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક પર બ્રિજ નહીં બને
રાજકોટ મનપાના બજેટમા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી રાજકોટમાં ગત વર્ષે કુલ 5 બ્રિજના લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ વર્ષે સાંઢિયા પુલ ખાતે ઓવરબ્રિજ અને પીડીએમ ફાટક ખાતે અન્ડરબ્રિજ બનાવવા ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી છે. સરકારની મંજૂરી મળ્યે કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કટારિયા ચોક ખાતે બ્રિજ બનાવવા માટે ટ્રાફિક સર્વે અને પ્રિફિઝીબિલિટી રિપોર્ટ કામગીરી પૂર્ણ કરવામાં આવી ચાલુ વર્ષે બ્રિજ માટે મનપા દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જોકે, હવે રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક ખાતે બ્રિજ નહીં બની શકે તેવી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવી છે.


Spread the love

Related posts

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Team News Updates

રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે

Team News Updates

રાજકોટમાં ઢોર ડબ્બામાં રોજ 10થી વધુ ઢોરનાં મોત થતા હોવાનો આક્ષેપ, માલધારી આગેવાને કહ્યું- ‘મનપા પશુઓના મોતના આંકડા છુપાવે છે’

Team News Updates