- ગાંધીગ્રામ PIને ફસાવવા ફોજદાર સહિતની પોલીસ ત્રિપુટીએ બૂટલેગરના ભાઇને હાથો બનાવ્યો’તો
- આરોપી પોલીસ અને બૂટલેગરના ભાઇ વચ્ચે મોબાઇલ ફોન પર 35 વખત વાતચીત થઇ હતી
- પોલીસ અને બૂટલેગરનો ભાઇ અંકિત શાહ સાથે હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા
રાજકોટ. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI વાળાને લાંચ કેસમાં ફસાવી દેવા PSI જેબલિયા સહિત ત્રણ પોલીસે કાવતરું રચી બૂટલેગરના ભાઇને હાથો બનાવ્યો હતો, જો કે ફોજદારનો કારસો સફળ થયો નહોતો અને કાવતરાનો પર્દાફાશ થઇ જતાં ફોજદાર સહિતનાઓ સામે જ અપહરણ અને કાવતરાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી અંકિત શાહના ઘરના CCTV સામે આવ્યા છે. જેમાં PSI અને કોન્સ્ટેબલ જોવા મળી રહ્યા છે.
CCTVમાં PSI જેબલિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ દેખાય છે
CCTVમાં દેખાતા આ દ્રશ્યો રાજકોટ શહેરના માધાપર ચોક નજીક આવેલા મહાવીર સોસાયટીના છે. આ CCTVમાં દેખાય રહેલા બે વ્યક્તિ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા PSI જેબલિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં PSI એમ.બી.જેબલિયા, કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ અને કોન્સ્ટેબલ પ્રતાપ કરપડા ફરજ બજાવતા હતા. જો કે થોડા સમય પહેલા PSI જેબલિયા અને કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડની બદલી થઇ જતાં બદલીનો બદલો લેવા PSI તેમજ કોન્સ્ટેબલ દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકના PI ખુમાનસિંહ વાળા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા અંકિત શાહ નામના વ્યક્તિનું અપહરણ કરી દબાણ કર્યું હતું. આ વ્યક્તિને તેના ઘરેથી લઇ જઇ ACBમાં ફરિયાદ કરવા દબાણ કરી પોલીસ ઇન્સ્પેક્ટર ફસાવવા પ્લાન બનાવ્યો હતો. જો કે ACB મૌખિક ફરિયાદ ન લેતા બાદમાં અંકિત શાહ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકના PI અને અન્ય ઉચ્ચ અધિકારીને સમગ્ર મામલે જાણ કરી PSI એમ.બી.જેબલિયા અને તેના સાથી બે કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ અને પ્રતાપ કરપડા વિરુદ્ધ અપહરણ કરી ફરિયાદ માટે ખોટું દબાણ કરતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
PSI જેબલિયાની થોરાળા પોલીસ સ્ટેશનમાં બદલી કરી નાખવામાં આવી હતી
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI વાળાન રાઇટર જસ્મીનભાઇ અને બૂટલેગર નમન શાહના ભાઇ અંકિત શાહ વચ્ચે સેટિંગ મુદ્દે ચર્ચા થતી હોવાનો ઓડિયો 10 દિવસ પૂર્વે જાહેર થયા બાદ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો, અને ખાતાકીય તપાસ થતાં PI વાળાને તેના જ પોલીસ સ્ટેશનના PSI એમ.બી.જેબલિયા, હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ અને કોન્સ્ટેબલ પ્રતાપ કરપડા સહિતનાઓએ કાવતરું રચ્યાનું ખુલ્યું હતું. PI વાળાએ અગાઉ પોલીસ કમિશનરને રિપોર્ટ કર્યો હતો જેમાં એવી રાવ કરવામાં આવી હતી કે, PSI જેબલિયા સહિતના ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ શહેરીજનોને ધમકાવી ‘તોડ’ કરે છે, જેના પગલે PSI જેબલિયાની થોરાળા પોલીસ સ્ટેશનમાં અને પ્રતાપ કરપડાની હેડ ક્વાર્ટર્સમાં બદલી કરી નાખવામાં આવી હતી.
અંકિત શાહે જ ફોજદાર જેબલિયા સહિતનાઓના કરતૂતોનો ભાંડાફોડ કરતો પત્ર PI વાળાને લખીને આપ્યો હતો
PI વાળાને કોઇ પણ રીતે ફિટ કરી દેવા મથતા ફોજદાર જેબલિયા અને તેના બે સાથી પોલીસમેને બૂટલેગર અમન શાહના ભાઇ અંકિત શાહને હાથો બનાવ્યો હતો અને દારૂના પ્રકરણમાં અમનનું નામ ખૂલતાં આ મામલે સેટિંગ કરવા PI વાળાની ચેમ્બરમાં જવા અને તે અંગેનો વાર્તાલાપ રેકોર્ડ કરાવી લેવા ફોજદાર જેબલિયા સહિતનાઓએ અંકિતને ધમકાવ્યો હતો, જો કે તેમાં અંકિત શાહે જ ફોજદાર જેબલિયા સહિતનાઓના કરતૂતોનો ભાંડાફોડ કરતો પત્ર PI વાળાને લખીને આપ્યો હતો અને સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો, શનિવારે ગાંધીગ્રામ પોલીસે અંકિત શાહની ફરિયાદ પરથી ફોજદાર જેબલિયા સહિત ચાર સામે અપહરણ અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI ઠાકરને તપાસ સોંપવામાં આવી હતી.
ત્રણેય સામે સસ્પેન્સનના તોળાતા પગલા
PI ઠાકરે જણાવ્યું હતું કે, ફરિયાદી અંકિત શાહનું રવિવારે વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં તેણે PSI જેબલિયા સહિત ત્રણ પોલીસમેને અપહરણ અને ધમકી આપ્યાની વાત દોહરાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, PI વાળા સામે કાવતરું રચ્યા બાદ આરોપી પોલીસ અને બૂટલેગરના ભાઇ અંકિત શાહ વચ્ચે 35 વખત મોબાઇલ પર વાતચીત થઇ હતી જે ડેટા તેમજ પોલીસમેન પ્રશાંત રાઠોડ અને પ્રતાપ કરપડા ફરિયાદી અંકિત શાહના ઘરે ગયા’તા તેમજ અન્ય સ્થળે મળ્યા તે જગ્યાના ફૂટેજ હાથ લાગ્યા છે. અપહરણ અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા PSI જેબલિયા, હેડ કોન્સ્ટેબલ રાઠોડ અને કોન્સ્ટેબલ કરપડા સામે સસ્પેન્શનના પગલાં તોળાઇ રહ્યાના પણ નિર્દેશો મળી રહ્યા છે.