આફ્રિકન મૂળની પાઇલટને 31 જુલાઇએ વિંગ્સ ઑફ ગોલ્ડ બેઝ મળશે
વોશિંગ્ટન. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસથી શ્વેત અને અશ્વેત અંગે થઇ રહેલી ચર્ચા વચ્ચે અમેરિકન નેવીમાં આફ્રિકન મૂળની લેફ્ટનન્ટ મેડલિન સ્વીગલે પ્રથમ અશ્વેત મહિલા પાઇલટ બનીને ઇતિહાસ સર્જ્યો છે.
અમેરિકન નેવીના નેવલ એર ટ્રેનિંગ કમાન્ડ દ્વારા કરાયેલા એક ટ્વીટમાં મેડલિનની આ સિદ્ધિ અંગે માહિતી અપાઇ છે. તેમાં લખ્યું છે કે મેડલિન ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ટેક્ટિકલ એરક્રાફ્ટ ઉડાવનારી પ્રથમ અશ્વેત મહિલા પાઇલટ બની ગઇ છે. આ અગાઉ ગુરુવારે અમેરિકન નેવીએ પણ આ અંગે એક ટ્વીટ કર્યું હતું.
નેવર એર ટ્રેનિંગ કમાન્ડની ટ્વીટમાં જણાવ્યાનુસાર ફ્લાઇંગ ઓફિસર મેડલિનએ વિંગ્સ ઑફ ગોલ્ડ બેજ હાંસલ કર્યો છે. અમેરિકન નેવીની એર વિંગમાં આ સન્માન મેળવનારી તે પ્રથમ અશ્વેત મહિલા છે. તેને 31 જુલાઇએ એક સમારોહમાં આ બેજ અપાશે.
વર્જિનિયાના બુર્કેની રહેવાસી મેડલિનએ વર્ષ 2017માં યુએસ નેવલ એકેડમીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. અધિકારીઓના કહેવા મુજબ તેને કિંગ્સવિલેમાં રેડહોક્સ ટ્રેનિંગ સ્ક્વોડ્રન 21ની જવાબદારી સોંપાઇ છે. ગત મહિને અમેરિકન નેવીએ સંકેત આપ્યો હતો કે તે રંગભેદ અને વંશભેદના પ્રશ્નો ઉકેલવા ઇચ્છે છે, જેથી આ સમુદાયો સાથે જોડાયેલા લોકોની કામ કરવાની મુશ્કેલીઓ ખતમ થાય, નેવીમાં તેમને બરાબરી સાથે તક મળે.
નેવીમાં માત્ર 765 મહિલા પાઇલટ, તમામ રેન્કમાં 7 ટકા ઓછી
1974માં રોઝમેરી મેરિનર એક ટેક્ટિકલ ફાઇટર જેટ ઉડાવનારી પ્રથમ મહિલા બની હતી. હવે 46 વર્ષ બાદ સ્વીગલે નવો ઇતિહાસ રચ્યો છે. મિલિટરી ડોટ કોમના જણાવ્યાનુસાર ફાઇટર યુનિટમાં અશ્વેત પાઇલટ દુર્લભ છે. પેન્સકોલા ન્યૂઝ જર્નલ મુજબ 2018 સુધી નેવીમાં 765 મહિલા પાઇલટ હતી, જે રેન્કના કુલ પાઇલટની તુલનાએ 7 ટકા ઓછી હતી.