- જ્યોતિરાદિત્ય અને પાયલટ અંગત દોસ્તો છે, સિંધિયાએ કોંગ્રેસ છોડ્યા પછી પાયલટ જ ભાજપનું નિશાન હતા
- સિંધિયાને તોડવામાં કારગત નીવડેલ ઝફર ઈસ્લામે જ પાયલટને પલાળવાનું ઓપરેશન હાથ પર લીધું હતું
જયપુર. માર્ચ મહિનામાં મધ્યપ્રદેશ કોંગ્રેસમાં કમલનાથના વડપણ હેઠળની સરકાર સામે બળવો થયો એ અરસામાં ભાજપે રાજસ્થાનની ગેહલોત સરકાર પણ ઉથલાવી દેવા કારસો ઘડ્યો હતો અને એ માટે પાયલટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે પાયલટના હાલના બાગી તેવરને પણ ત્રણ મહિના અગાઉ સિંધિયાની બગાવત સાથે સાંકળવામાં આવે છે. અત્યાર સુધીમાં ત્રણ વખત ભાજપે પાયલટને પક્ષપલટો કરવા લલચાવ્યા છે, પણ દરેક વખતે પાયલટે છેલ્લી ઘડીએ ઈરાદો બદલ્યો છે. હવે આ વખતે શું થશે એ જોવું રહ્યું.
માર્ચમાં સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો
11 માર્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપનો ખેસ પહેર્યો હતો. એમની છાવણીના 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસ છોડી દીધી હતી. કોંગ્રેસ એ મામલો સર્વોચ્ચ અદાલત સુધી લઈ ગઈ પરંતુ સિંધિયાનો દાવ એટલો સજ્જડ હતો કે વિશ્વાસનો મત લેવાની ઘડી આવે એ પહેલાં જ કમલનાથે હાર સ્વીકારીને રાજીનામું આપી દીધું અને પ્રાંતમાં ફરીથી ભાજપની સરકાર બની. બદલામાં ભાજપે સિંધિયાને રાજ્યસભામાં મોકલી દીધા.
1.ભાજપનો પહેલો પ્રયત્નઃ પાયલટને કાશ્મીરની ઓફર કરી
જ્યારે સિંધિયાએ બગાવતનું બ્યુગલ ફૂંક્યું ત્યારે ભાજપે મધ્યપ્રદેશની સાથે જ રાજસ્થાનની કોંગ્રેસી સરકાર પાડી દેવાની વેતરણ કરી હતી અને પાયલટનો સંપર્ક કર્યો હતો. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપે એ વખતે પાયલટને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલપદની ઓફર કરી હતી. ત્યારે ગણતરી એવી હતી કે પાયલટ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડો. ફારુક અબ્દુલ્લાના જમાઈ છે આથી સ્થિતિ પર ઝડપથી કાબૂ મેળવી લેશે. જોકે સૂત્રોના દાવા પ્રમાણે પાયલટે ભાજપની આ ફોર્મ્યુલા નકારી કાઢી હતી.
2.ભાજપનો બીજો પ્રયત્નઃ રાજ્યસભાની ચૂંટણી
પાયલટે કાશ્મીરની ઓફર ઠુકરાવી એ પછી પણ ભાજપે પાયલટ સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેમને પલાળવાની કોશિષ કરી પરંતુ ત્યારે પણ પાયલટે કોઠું આપ્યું ન હતું. એ વખતે પાયલટ ધારણા મુજબની સંખ્યામાં ધારાસભ્યોને પોતાના પક્ષે લાવી શક્યા ન હતા.
3.ભાજપનો ત્રીજો પ્રયત્નઃ આ વખતે ઝફર ઈસ્લામ કનેક્શન
સૂત્રોના દાવા પ્રમાણે, રવિવારે બપોરે પાયલટ અને તેમના જુના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે દિલ્હી ખાતે મુલાકાત થઈ હતી. એ પછી ભાજપના પ્રવક્તા ઝફર ઈસ્લામે પાયલટનો સંપર્ક કર્યો હતો. પાયલટ સાથેની દરેક ચર્ચાની વિગતોથી ઝફર ઈસ્લામે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને માહિતગાર રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિંધિયાને ભાજપમાં લાવવામાં પણ ઝફર ઈસ્લામની જ મુખ્ય ભૂમિકા હતી.