કોન્સ્ટેબલ સુનિતાને આઈપીએસ અધિકારી બનવું છે
સુરત. મંત્રી પુત્ર સાથે વિવાદ કરનાર LR સુનિતા યાદવ સોમવારે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને મળી હતી. સુનિતાએ કહ્યું કે, મે તો માત્ર મારી ફરજ નિભાવી છે. તેની સામે પોલીસ કમિશનરે પણ સુનિતાને કહ્યું કે, તમે ફરજ નિભાવી તે સારી બાબત છે. તમારી જે રજુઆત હોય તે લેખિતમાં આપો, જેથી ઇન્ક્વાયરી કરી શકાય. સુનિતાએ કહ્યું કે, હું નોકરી છોડીને IPS અધિકારી બનવા માંગું છું. કમિશનરે સુનિતાએ IPS બનવા શુભેચ્છા આપી હતી. સાથે કહ્યું કે આપણે પ્રજાના સેવક છે તેથી સારું વર્તન કરવું જોઈએ. સુનિતા અને તેનો ભાઈ એવું કહે છે કે સુનિતાએ રાજીનામું આપ્યું છે.જોકે, પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુનિતાએ રાજીનામું નથી આપ્યું.
સુનિતાએ ટ્વીટ કરી કહ્યું ‘માફી નહીં માંગીશ’
સોમવારે સુનિતા યાદવના નામથી કેટલાક ટ્વીટ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. જેમાં કહ્યું હતું કે, હું સરકારની નોકરી કરૂં છું કોઈના બાપની નહીં.એ જુદા લોકો હશે જે નેતા અને મંત્રીઓની ગુલામી કરે છે.મે મારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીને નોકરી કરી છે. હું માફી નહીં માંગીશ અને મારે શા માટે માફી માંગવી જોઈએ. ટ્વીટ બાબતે ફોન કરતા સુનીતાએ ફોન ઉપાડ્યો ન હતો.