આગામી જુલાઈ-21 સુધીમાં 30 કરોડ લોકોનું રસીકરણ થશે: ડો. હર્ષવર્ધન

0
223

ત્રણ-ચાર મહિનામાં કોરોના વેકસીન ઉપલબ્ધ થવાની સંભાવના: સ્વાસ્થ્ય મંત્રી

નવી દિલ્હી તા.1
દેશની જનતા ઝડપથી કોરોનાની વેકસીન ઈચ્છી રહી છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકારની યોજના આગામી 6 મહિનામાં 30 કરોડ લોકોને વેકસીન લગાવવાની છે.
સ્વાસ્થ્ય મંત્રીને જયારે વેકસીનને લઈને પ્રશ્ર્ન કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે આવનારા ત્રણ-ચાર મહિનામાં આ વાતની પુરી સંભાવના છે કે અમારી પાસે વેકસીન ઉપલબ્ધ થઈ જશે. ત્યારબાદ અમે લોકોને વેકસીન આપવાનું શરૂ કરીશું. દરમિયાન કેન્દ્રે રાજયોને જણાવ્યું છે કે કોરોના રસી ઉપલબ્ધ થઈ જવાની સ્થિતિમાં રસીકરણ અભિયાન ચલાવવા માટે ડોકટર, દવા વિક્રેતા, એમબીબીએસ અને બીડીએસ ઈન્ટર્ન સહિત સ્વાસ્થ્ય કર્મીઓની ઓળખ-વ્યવસ્થા કરવી.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ સચિવ વંદના ગુરુનાનીએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસ વિરોધી રસી ઉપલબ્ધ થવાની સ્થિતિમાં, તેને વિશેષ કોવિડ 19 રસીકરણ અભિયાન અંતર્ગત વિતરીત કરવામાં આવશે.