કરજણના ભાજપના પૂર્વ MLA સતિષ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ, 5 દિવસ પહેલા જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા

0
540

પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ 9 જુલાઇએ કરજણમાં મળેલી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા

વડોદરા.  જિલ્લાના કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ(નિશાળીયા)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હાલ તેઓ વડોદરા શહેરના માજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે 5 દિવસ પહેલા જ કરજણ ખાતે મળેલી કરજણ પેટાચૂંટણીની સંકલન બેઠકમાં તેઓ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા. 

9 જુલાઇએ મળેલી ભાજપની બેઠકમાં સતિષ પટેલ હાજર રહ્યા હતા
વડોદરા જિલ્લાના કરજણ ખાતે 9 જુલાઇના રોજ કરજણ વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઇન્ચાર્જ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ અને ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ પ્રવક્તા અને વડોદરા જીલ્લા પ્રભારી ભરત પંડ્યા હાજરીમાં બેઠક મળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓએ ગૃહમંત્રીનું સ્વાગત પણ કર્યું હતું, ત્યારબાદ હવે સતિષ પટેલનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે ભાજપના નેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે.