કોવિડ કેર સેન્ટર,પી.એચ.સી. સી. એચ. સી માં પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. આ રોગમાં દર્દીને ઓક્સિજનની આવશ્યકતા ગમે ત્યારે થઈ શકે છે તેને ધ્યાને રાખીને દરેક સેન્ટરમાં આ સુવિધા સાથે લોકોની સારવારને વધુ બહેતર બનાવી શકાશે. આમ, દરેક બાબતોને ધ્યાને રાખીને જામનગરમાં સંક્રમણ વધે નહીં અને સારવારને પણ વધુ સારી રીતે આગળ વધારી શકાય તે અંગે સમગ્રતયા સમીક્ષા કરવામાં આવી હતી.
વર્ષાઋતુમાં ગત વર્ષ જામનગરમાં ડેન્ગ્યુના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા તે આ વર્ષ અટકાવી શકાય તે માટે અગ્રસચિવ એ લોકોને અનુરોધ કર્યો છે કે, સામાન્ય રીતે ઉનાળામાં લોકો પક્ષીઓ માટે પાણી રાખવા પક્ષી કુંજ રાખતા હોય છે પરંતુ તેની અંદરનું પાણી વાસી થતાં તેમાં મચ્છરના પોરા બને છે અને તેનાથી ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થાય છે. આ માટે હાલમાં લોકો આ પક્ષી કુંજને સાફ કરી રાખી દે અથવા તો તેમાં રોજ સ્વચ્છ પાણી ભરે અને આવી જ અન્ય તકેદારીઓ થકી ડેન્ગ્યુને અટકાવવામાં પોતાનો અનન્ય સહયોગ આપે.
જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જામનગરની મુલાકાત લીધી હતી. જ્યાં જામનગર જિલ્લાના આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અગ્ર સચિવ એ કોવિડ-19ની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી આવશ્યક સૂચનો કર્યા હતા.
જેમાં અગ્ર સચિવ એ ગંભીર દર્દીઓ અને ઓક્સિજન પર રહેલા દર્દીઓ વિશે વધુ માહિતી મેળવી જિલ્લા અને શહેરમાં વધુ પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારના ઝોન માર્કિંગ કરવા અને તે વિસ્તારોના સઘન સર્વેલન્સ કરવા સૂચિત કર્યુ હતું. આ સાથે જ જામનગરમાં હાલમાં ગંભીર કેસોમાં મૃત્યુ આંક વઘ્યો છે
તેને ધ્યાને લઇને ટ્રીટમેન્ટ અને પ્રોટોકોલ વિશે વધુ ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે અગ્ર સચિવ એ જણાવ્યું હતું કે,જામનગરમાં હાલમાં 358 જેટલા કેસ નોંધાયેલા છે ત્યારે સંક્રમણને વધુ અટકાવવા અને સાથે જ જો આ સંક્રમણ વધે તો આગોતરી તૈયારીઓના ભાગરૂપે જામનગરમાં લોકોને હોમ આઈસોલેશનની વ્યવસ્થા અપનાવવા અને રિવર્સ આઇસોલેશન એટલે કે વૃદ્ધો-બાળકો કે અન્ય ગંભીર રોગ ધરાવતા જેવા કે ડાયાબિટિસ, બી.પી વગેરેના દર્દીઓ જે આ રોગમાં વધુ ભોગ બને છે તેવા લોકોને અલગ ઘરમાં રહેવા જવું, જ્યાં પોતે કવોરેન્ટાઇન રહેવું તેમ અપીલ કરી હતી.
આ સમયે વહીવટી તંત્રની કામગીરીને સરાહનીય ગણાવીને સાથે જ લોકોને અનુરોધ કર્યો હતો કે સંક્રમિત વિસ્તારમાંથી આવતા લોકો સ્વેચ્છાએ તંત્રને જાણ કરે. સાથે જ લોકો માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને વારંવાર હાથ ધુએ તેનાથી આપણે સુરક્ષિત રહેશું અને વધુમાં વધુ લોકો આરોગ્ય સેતુનો ઉપયોગ કરી સુરક્ષિત રહેવા માટે આ સતર્કતાનું પગલું ભરે. બેઠકમાં રિસર્ચના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી જેમાં તંત્ર દ્વારા કોવિડની આપવામાં આવતી એલોપથી સારવાર સાથે આયુષ ચિકિત્સા કે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિને પણ સામેલ કરીને નીરોગી બનવા વિશેની સારવાર પદ્ધતિ પર સંશોધન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે જ હોમ આઇસોલેશનના પેકેજીસ વિષે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જામનગરના ખાનગી ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવશે, તેમના પેકેજીસ થકી જે તે ડોક્ટર પોતાના પેશન્ટને સારવારની સુવિધાઓ આપી શકશે. આ બેઠકમાં પ્રભારી સચિવ એસ.એમ.પટેલ, કલેકટર. રવિશંકર, કમિશનર. સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, રિજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડો. રૂપાલી મહેતા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી, કોરોના નોડલ ડો. એસ.એસ. ચેટર્જી વગેરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ ,સાગર સંઘાણી,જામનગર.