રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત થયા બાદ નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે 9 દિવસમાં વધુ 21 બાળકો મોતને ભેટ્યા છે. ગત રાત્રે વધુ એક બાળકનું મોત નીપજતા 24 કલાકમાં 4 બાળકોના મૃત્યુ થયા છે. હોસ્પિટલની અંદર મીડિયાને જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેમજ હોસ્પિટલના તબીબ ડો. પંકજ બુચ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનિશ મહેતાએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે.
જિલ્લા કલેક્ટરે રિપોર્ટ માંગ્યો
બાળકોના મોતને લઇને તંત્ર હરકતમાં આવ્યું છે. 9 દિવસમાં 21 મોત થતા NICUને પ્રસુતિ પાસે શિફ્ટ કરવામાં આવશે. તેમજ 25 નવા વોર્મરની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને બાળકોના મોત અંગે રિપોર્ટ માંગ્યો છે.