સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ગાંજાના 263 ગ્રામ જથ્થા સહિત કુલ 3400થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ : રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ પોલીસ દ્વારા વધુ એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમ દ્વારા રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામનાથ પરા સ્મશાન પાસેથી બે શખ્સોને પ્રતિબંધિત ગાંજાના પદાર્થ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ગાંજાના 263 ગ્રામ જથ્થા સહિત કુલ 3400થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસની પુછપરછ પ્રક્રિયામાં બંને આરોપીઓ બીપીન તેમજ મોહસીને ચોંકાવનારી માહિતી આપી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે તેઓ જાહેર શૌચાલયમાં પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરતા હતા જેના કારણે તેઓ અત્યાર સુધી પોલીસ પકડમાં આવ્યા નહોતા. સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલના જણાવ્યા પ્રમાણે મોહસીન એક દિવસના બીપીનને વેચાણ માટે રૂપિયા 300 આપતો હતો. ત્યારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમ દ્વારા મોહસીન પાસેથી ગાંજાની પ્રતિબંધિત 95 જેટલી પડીકી ઝડપી પાડવામાં આવી છે જ્યારે કેબીન પાસેથી પ્રતિબંધિત ગાંજાની 25 જેટલી પડીકી પકડી પાડવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હાલ બંને આરોપીઓ લૉકડાઉન શરૂ થયા બાદ ધંધો રોજગાર ન મળવાના કારણે આ પ્રકારના ધંધામાં જોડાયા હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે હાલ આગળની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના તપાસનીશ અધિકારીઓ ચલાવી રહ્યા છે. આવતીકાલે આ તમામ આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો સાથોસાથ રિમાન્ડ દરમિયાન તેમની પાસેથી કેટલીક માહિતીઓ પણ મેળવવામાં આવશે જેમકે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે આ બંને આરોપીઓ પહેલા ક્યારેય સંડોવાયેલા હતા કે કેમ બંને આરોપીઓ પાસેથી ઝડપાયેલ પ્રતિબંધિત ગાંજો તેઓ ક્યાંથી લાવતા હતા કોને કોને વેચતા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારમાંથી ગુનાહિત પ્રવૃત્તિ કરતા કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે પૈકી ઘણા આરોપીઓએ પોતાના કબૂલાતનામા જણાવ્યું હતું કે લૉકડાઉનના કારણે તેમના ધંધા-રોજગાર છીનવાતા તેમણે ગુનાહિત પ્રવૃત્તિઓનો સાથ લીધો હતો.