દર ત્રણ મહિને SOG ક્રાઈમ બ્રાન્ચમાં નકલી નોટ બાબતે ફરિયાદ થાય છે આરોપી મળતા નથી
અમદાવાદ. મહામારી કોરોનાને લઇ 22 માર્ચથી લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતુ. લોકડાઉનના બે મહિના અને અનલોક 1 માં શહેરની અલગ અલગ 14 બેન્કોમાં 2000ના દરથી લઈ 10ના દરની નકલી નોટો જમા થઈ છે. લોકડાઉન દરમ્યાન બેન્કોમાં કુલ રૂ. 3.80 લાખની નકલી નોટો જમા થઇ છે. સૌથી વધુ નકલી નોટો ICICI, AXIS અને HDFC બેન્કમાંથી મળી આવી છે. એસઓજી ક્રાઇમ બ્રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લોકડાઉનમાં એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધીમાં કાલુપુર કો.ઓપરેટિંવ, યશ બેન્ક, IDBI, ICICI, AXIS, HDFC, કોટક મહેન્દ્રા,કોર્પોરેશન,SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC, DCB અને રિઝર્વ બેન્કમાં 2000ની 112, 500ની 132, 200ની 123, 100ની 584, 50ની 138, 20ની 3, 10ની 4 નોટો અને રદ થયેલી રૂ. 500ની 1 નોટ મળી કુલ 1097 નોટો કિંમત રૂ. 3.80 લાખની બેંકોમાં જમા થઈ છે. સૌથી વધુ ICICI બેન્કમાંથી અલગ અલગ દરની નકલી નોટો જમા કરાવાઈ છે. બેન્કોમાં નકલી નોટો જમા કરવા અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દર ત્રણ મહિને અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી દે છે પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે તેની આજ સુધીમાં બહાર આવ્યું નથી.