અમદાવાદ. એક વર્ષમાં 130 કરોડની ગ્રાન્ટ મળે, હજુ 67.50 કરોડ આવ્યા, માત્ર 3.70 કરોડ વપરાયા
બે વર્ષની સાંસદ ગ્રાન્ટના રૂ. 260 કરોડ ગુજરાતને નહીં મળે
કોરોનાની અસર સાંસદોને પણ થઇ રહી છે. વર્ષ 2020-21 અને 2021-22માં સાંસદોને પોતાના વિસ્તારમાં વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટ નહીં મળે એવો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હતો. જેનાથી રાજ્યમાં રૂ. 260 કરોડના વિકાસ કામોની ગ્રાન્ટને અસર થશે. ગુજરાતના 26 સાંસદોને 2019-20ની ગ્રાન્ટનો પહેલો હપ્તો રીલિઝ થઇ ગયા પછી પણ 26માંથી 25 સાંસદો દ્વારા એકપણ વિકાસકામ માટે ભલામણ કરવામાં આવી નથી. માત્ર એક જ સાંસદ કચ્છના વિનોદ ચાવડાએ પોતાને રીલિઝ થયેલી ગ્રાન્ટમાંથી 74 ટકા ગ્રાન્ટ ખર્ચી કામ કરાવવામાં આવ્યા છે. 2019-20માં ગુજરાતના સાંસદોને અત્યારસુધી ફાળવાયેલી રૂ. 67.5 કરોડમાંથી માત્ર રૂ. 3.70 કરોડના જ કામો થયા છે. વર્ષની કુલ ગ્રાન્ટના માત્ર 2.84 ટકાનો જ ઉપયોગ થયો છે. રીલિઝ ફંડમાંથી 5.50 ટકા ફંડ વપરાયું છે.
MPLADS વેબસાઇટ મુજબ, એક વર્ષમાં ગુજરાતના 26 સાંસદોને વર્ષમાં રૂ. 2.50 કરોડના બે હપ્તા આવે છે. જેથી વર્ષે કુલ રૂ. 130 કરોડની ગ્રાન્ટ ગુજરાતને ફાળે આવે છે. 2019-20માં તમામ સાંસદોનો પહેલો હપ્તો રીલિઝ થઇ ગયો છે. માત્ર એક સાંસદે કામોની ભલામણ બાદ ખર્ચ પણ થતાં બીજો હપ્તો પણ રીલિઝ થયો છે એટલે ગુજરાતને અત્યાર સુધી કુલ 27 હપ્તામાં રૂ. 67.5 કરોડ ફાળવવામાં આવ્યા છે. 2020-21 અને 2021-22માં સાંસદોને પોતાના વિસ્તારમાં વિકાસ માટે મળતી ગ્રાન્ટ્સ નહીં મળવાના નિર્ણયથી સાંસદો પણ મુંઝવણમાં છે. આ ગ્રાન્ટ દ્વારા તેઓ મત વિસ્તારના લોકો સાથે જોડાયેલા રહેતા હતા. હવે કોઇ માગણી લઇને આવે તો કેવી રીતે કામ કરાવવું એની મુંઝવણ સાંસદોને પણ સતાવી રહી છે.
દરેક મતવિસ્તાર માટે વર્ષે રૂ. 2.25 કરોડની ગ્રાન્ટ મળે છે
રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1.50 કરોડની MLA લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વપરાશે એવો નિર્ણય કરાયો હતો. દરેક ઘારાસભ્યને વર્ષે 1.50 કરોડ એટલે કે 182 ધારાસભ્યોને રૂ. 273 કરોડ, જ્યારે 26 સાંસદોને રૂ. 130 કરોડ મળીને વાર્ષિક ગ્રાન્ટ રૂ. રૂ. 403 કરોડ થાય. જો આ રીતે ગણવામાં આવે તો દરેક મત વિસ્તાર માટે દર વર્ષે રૂ. 2.25 કરોડ મળે છે.
ગ્રાન્ટ સાંસદના ખાતામાં ન આવે, તે કામની ભલામણ કરતા હોય છે
દરેક સાંસદને દર વર્ષે સાંસદ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ રૂ. 5 કરોડ મળે. રૂ. 2.50 કરોડના એમ બે હપ્તામાં વર્ષે રૂ. 5 કરોડ આવે. આ રકમ સીધી સાંસદના ખાતામાં આવતી નથી. જિલ્લા વહીવટી તંત્ર પાસે સાંસદ પોતાના વિસ્તારમાં વિકાસ કામો માટે ભલામણ કરે છે જેના આધારે વહીવટી તંત્ર કામોને મંજૂરી આપે છે. MPLADS વેબસાઇટમાં આ તમામ માહિતી અપડેટ કરવામાં આવે છે.
2014-19માં સાંસદોની 102 ટકા ગ્રાન્ટ વપરાઇ ગઈ હતી
સમયગાળો | લોકસભા-17 | લોકસભા-16 |
મળવાપાત્ર ગ્રાન્ટ | 130 | 650 |
ફંડ રીલિઝ | 67.5 | 625 |
કામની ભલામણ | 14.61 | 768.93 |
મંજૂર ફંડ | 4.91 | 693.98 |
ખર્ચ | 3.7 | 642.03 |
વણવપરાયેલી રકમ | 63.8 | 42.73 |
(રૂપિયા કરોડમાં. લોકસભા-17નો ગાળો 2019-24 અને લોકસભા-16નો ગાળો 2014-19)