ધ્રોલ : પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે લોકોને મોટુ પરિણામ ભોગવવાનો વારો આવે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. વીજતંત્ર દ્વારા વીજપોલમાં જમીનથી માત્ર ત્રણથી ચાર ફૂટ ઉપર કનેકશનનું જોડાણ આપેલ હોવાથી પશુ-પક્ષીઓ અને મનુષ્ય પર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ ઉઠયો છે.
વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના નામે ધતીંગપચા દોઢસોની માફક કામગીરી કરી હોવાથી હાલ ધ્રોલમાં આવતા ભેસદડ ફીડર તથા લૈયારા ફીડરમાં વારંવાર વીજવિક્ષેપ સર્જાઈ રહ્યો છે. વિસ્તારવાસીઓની વારંવાર વીજળી વેરણ થઈ રહી છે. આથી લોકોને બફારો અને ગરમી ભોગવવાનો વારો આવે છે. વીજકાપ અંગે પીજીવીસીએલ કચેરીએ ફોન કરવામાં આવતા અધિકારીઓ ફોન ઉઠાવતા નથી અથવા ઉડાઉ જવાબ આપતા હોવાનું પણ લોકોમાં રાવ ઉઠી છે.
વધુમાં ધ્રોલમાં અનેક સ્કૂલ તથા લોકોની ભીડથી ભરચક્ક અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ દરમિયાન અકસ્માત થાય તેવી વીજતંત્રની અનેક બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા અનેક જગ્યાએ ક્નેકશનનું જોડાણ જમીનથી માત્ર 3 થી 4 ફૂટ જ ઉપર હોય જેનાથી લોકો તેમજ પશુ, પક્ષીઓ માટે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. ચોમાસાની પ્રિ-મોન્સુન કામગીરીમાં ઠગા-થિયા કરી પ્રિ-મોન્સુન કામગીરી ગ્રાન્ટનો ઉપયોગ ખાલી-ખાલી અધિકારીઓએ જ કર્યો હોય અથવા તો ટલ્લે ચડાવી બિલ પાસ કરી ક્યાય પણ કામ કરવામાં આવેલ નથી. તેવું લોકમુખૈ ચર્ચાઈ રહ્યું છે. વધુમાં ધ્રોલ પી.જી.વીઆઇ.સી.એલ.ના અધિકારીઓ બહારથી અપ-ડાઉન કરતાં હોવાથી ધ્રોલ શહેરના સ્થાનિક માણસોને ગણકારતા ન હોય તેમજ આજુ-બાજુના ગામડાઓમા પૂરતું ધ્યાન ન આપતા હોવાની પણ રાવ ઉઠી છે. આમ ધ્રોલ પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે લોકોમાં આક્રોશ છવાયો છે.
અહેવાલ.સાગર પટેલ ,જામનગર