રાજનાથ ફોરવર્ડ લોકેશન પર પહોંચ્યા, પેરા ટ્રૂપિંગ અને સૈન્ય અભ્યાસ જોયો; ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રાવત અને સેના પ્રમુખ પણ હાજર

0
405
  • રાજનાથ સિંહ 2 જુલાઈએ લદ્દાખ જવાના હતા, પરંતુ તે મુલાકાત ટાળી દેવાઈ અને 3 જુલાઈએ અચાનક મોદી પહોંચ્યા
  • લદ્દાખમાં વિવાદિત વિસ્તારોથી ચીન પાછળ ખસી રહ્યું છે, પરંતુ પેંગોગ ત્સો અને દેપસાંગમાં જડ વલણ
  • લેહ. રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ મુલાકાતે પહોંચ્યા છે. તેમણે લેહમાં સ્ટફના ફોરવર્ડ લોકેશન પર જવાનો સાથે વાત કરી હતી. સૈનિકોએ પેરા ટ્રૂપિંગ અને સૈન્ય અભ્યાસ પણ દર્શાવ્યો હતો. રાજનાથ સિંહ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ છે.

બે દિવસની મુલાકાતમાં રાજનાથ સિંહ આજે લદ્દાખમાં ફોરવર્ડ લોકેશનની મુલાકાત લેશે. શનિવારે શ્રીનગર જશે. ગલવાનની ઘટના પછી આ રાજનાથ સિંહની પ્રથમ મુલાકાત છે. 15 જૂને ગલવાન ઘાટીમાં ચીન સાથેની ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

મોદીએ ચીનની વિસ્તારવાદી નીતિને ટાર્ગેટ કરી
આ પહેલાં રાજનાથ સિંહ 2 જુલાઈએ લદ્દાખની મુલાકાતે જવાના હતા, પરંતુ તે મુલાકાત ટાળી દેવામાં આવી હતી. તેના બીજા દિવસે વડાપ્રધાન મોદી અચાનક લદ્દાખ પહોંચી ગયા હતા. મોદીએ ચીન સાથેની ઝપાઝપીમાં સામેલ જવાનોને પ્રોત્સાહન આપ્યું હતુ અને ચીનને પડકાર આપતા તેની વિસ્તારવાદની નીતિને ટાર્ગેટ કરી હતી. 

ભારત-ચીન વચ્ચે ડિસએંગેજમેન્ટનો પહેલો ફેઝ પૂરો, બીજામાં તકલીફ
મોદીની મુલાકાતના 2 દિવસ પછી એટલે કે 5 જુલાઈએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વીડિયો કોલ પર ચર્ચા કરી હતી. ત્યારપછી ચીન ઝૂક્યું અને તે લદ્દાખના વિવાદિત વિસ્તારોમાંથી તેની સેના હટાવવા માટે રાજી થઈ ગયું. પેહલાં ફેઝનું ડિસએંગેજમેન્ટ પુરૂ પણ થઈ ગયું છે.
જોકે બીજા ફેઝમાં થોડી મુશ્કેલીઓ આવી રહી છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોનું કહેવું છે કે, પેંગોગ ત્સો અને દેપસાંગ વિસ્તારમાં ચીન વિવાદ પહેલાની સ્થિતિમાં પરત આવવા માટે તૈયાર નથી. આ મુદ્દે ભારત-ચીન વચ્ચે મંગળવારે લેફ્ટિનન્ટ લેવલની વાતચીત થઈ હતી જે સાડા ચૌદ કલાક ચાલી હતી.