કોરોના વકરતાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS હરેશ દૂધાતને તાબડતોબ મોકલાયા, અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવ્યા હતા

0
400
  • અમદાવાદમાં કર્ફ્યુ અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં કામ કરી ચૂકેલા અધિકારીઓને સુરતના કન્ટેઈનમેન્ટ ઝોનની જવાબદારી સોંપાઈ
  • અધિકારી લોકોને સમજાવે છે કે, ભેગા થઈ ગાંઠિયા ભજીયા પાર્ટી ન કરતા નહી તો બધી બહાદુરી અહીંયા જ રહી જશે

સુરત. ગુજરાતમાં કોરોનાનાં કારણે અગાઉ સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર રહ્યું હતું. હવે આવી જ ભયાનક સ્થિતિ તરફ સુરત શહેર જઈ રહ્યું છે. આવા સમયમાં સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંઈ રીતે કંટ્રોલ કરી શકાય અને કંઈ સાવધાની રાખી શકાય તે જણાવવા માટે ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઈમ અને સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના બે અધિકારીને તાબડતોબ સુરત મોકલવામાં આવ્યા છે. તેઓ અગાઉ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવવામાં વિશેષ કામગીરી કરી હતી. અગાઉ શાહીબાગ અને અસારવા કન્ટેઈનમેન્ટ ઝોનમાં કામગીરી કરનાર CID ક્રાઈમના હરેશ દૂધાતે સુરતીઓને કોરોનાની ગંભીરતા વિશે સમજાવ્યા હતા.

અમદાવાદમાં લાગૂ કરાયેલી સ્ટ્રેટેજી સુરતમાં લાગૂ કરાઈ
સુરતના હાઈ કન્ટેઈનમેન્ટ ઝોન જેવા વિસ્તારમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. તેવા સમયમાં કોરોનાને કંટ્રોલ કરવા દરેક રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં જ્યારે કર્ફ્યુ અને લોકડાઉન હતું. તે સમયે પણ કેટલાક અધિકારીને આ વિસ્તારમાં લોકોને શું કરવું અને શું ન કરવું તે વિશે સમજાવવાની જવાબદારી સોંપાઈ હતી. જેના પ્રયોગ બાદ હવે એ જ સ્ટ્રેટેજી સુરતમાં અપનાવામાં આવી રહી છે.

અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવ્યા હતા
CID ક્રાઇમના હરેશ દુધાત અને SRPના એક મહિલા અધિકારીને તાત્કાલિક સુરતના કોરોના પ્રભાવિત વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અધિકારીઓ અગાઉ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કંટ્રોલ કરવામાં મદદ કરી હતી. આ અધિકારીઓ હવે સુરતમાં અલગ અલગ સોસાયટીમાં જઈને લોકોને કોરોનાની માહિતી આપે છે. તેમજ કહે છે કે, કોરોના સામે લડવું એનાં કરતા એનાથી બચવું સારું છે. તમને તકલીફ હશે તો પોલીસ તમારી સાથે છે પણ ગાંઠીયા ભજીયા પાર્ટી ન કરો. નહીં તો બધી બહાદુરી અહીંયા જ રહી જશે અને કોરોના તમારા ઘરમાં આવી જશે.