- એમપીએડ ભવનના પ્રો. વંકાણી સામે વધુ એક વિદ્યાર્થિનીની ફરિયાદ
- યુનિવર્સિટી કોઈ પણ જવાબદારને છાવરશે નહીં: કુલપતિ
રાજકોટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એમ.પી.ડી ભવનનાં પ્રોફેસર ડો.વિક્રમ વંકાણી સામે વધુ એક વિદ્યાર્થિનીએ ઇ-મેલથી ફરિયાદ કરી છે. ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગે તપાસ શરૂ કરાઈ છે. ઉપલેટાની વિદ્યાર્થિનીનાં નામે વીસીને કરાયેલા ઇ-મેલમાં આક્ષેપ કર્યો છે કે, હું ભૂતપૂર્વ વિદ્યાર્થિની છું અને 2018-19માં એમપીડીમાં અભ્યાસ કરતી હતી. જોકે સમગ્ર મામલે કુલપતિએ જણાવ્યું હતું કે બન્ને પ્રોફેસરોને 15 દિવસ સુધી કેમ્પસમાં આવવા દેવામાં આવશે નહિં. આંતરિક ફરિયાદ નિવારણ કમિટી વિદ્યાર્થિનીને લઈને નિવેદન લેશે. યુનિવર્સિટી માટે આ ચિંતાજનક પરિસ્થિતિ છે. જેથી યુનિવર્સિટી કોઈ પણ જવાબદારને છાવરશે નહીં.
હાલનાં સમાચાર જોઇ મારામાં હિંમત આવી હોય તેથી અરજી કરું છું
આ દરમિયાન અમારા સાહેબ ડો.વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો તથા અમારા સાહેબ દ્વારા મને રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. અને જો તેમની વાત હું માનું તો મને એમપીએડમાં ગોલ્ડ મેડલ અપાવશે તેવી લાલચ આપવામાં આવતી હતી. જેના કારણે મેં ગયા વર્ષે 2019-20માં મારું એમપીડી અધૂરું મુક્યું હતું. કારણ કે, મને એમ લાગતું હતું કે સાહેબના ડરથી કોઇ મને સાથ નહીં આપે. તેથી મેં આ વાત કોઇની સાથે ન કરી મારો અભ્યાસ ટૂંકાવ્યો હતો. પરંતુ હાલના સમાચાર જોઇ મારામાં હિંમત આવી હોય તેથી અરજી કરું છું.જો કે સમગ્ર મામલે અરજી કરનાર છોકરી પ્રિયંકાનો દિવ્યભાસ્કરે ટેલિફોનિક સંપર્ક સાધતાં તેનો ફોન સતત બંધ આવી રહ્યો છે.