- સુરત શહેર જિલ્લામાં કુલ 9467 પોઝિટિવ કેસ અને 401 મોત થયા
- અનલોક-2માં 44.43 ટકા કોરોનાના કેસ, 50.12 ટકા મોતમાં વધારો
સુરત. શહેરમાં કોરોનાના કેસ અને મોતમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 16 દિવસમાં કોરોના વધુ ઘાતક બન્યો છે. જેમાં છેલ્લા 16 દિવસમાં જ સુરત શહેર જિલ્લામાં વધુ 4207 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 207 કોરોના દર્દીના મોત થઈ ચૂક્યા છે. જેથી લોકડાઉન, અનલોક-1 બાદ અનલોક-2 વધુ ઘાતક બની રહ્યો છે.
પોઝિટિવ કેસનો કુલ આંક 9467
શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 9467 પર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 401 થયો છે. ગત રોજ શહેરમાંથી 151 અને જિલ્લામાંથી 29 મળી કુલ 180 દર્દી રિકવર થતા તેમને રજા આપવામાં આવી હતી. જેથી કુલ રિકવર થનાર દર્દીઓની સંખ્યા 5870 પર પહોંચી ગઈ છે.
અનલોક-2માં 44.43 ટકા કોરોના કેસ, 50.12 ટકા મોતમાં વધારો
શહેર જિલ્લામાં હાલ 9467 કેસ થઈ ચૂક્યા છે. જેમાં 31 મે સુધીમાં 18.22 ટકા 1725 કેસ નોંધાયા હતા. જ્યારે જૂન મહિનામાં 37.34 ટકા 3535 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનાના માત્ર 16 દિવસમાં 44.43 ટકા 4207 કેસ નોંધાઈ ચૂક્યા છે. આવી જ રીતે મોતનો આંકડો 401 પર પહોંચી ગયો છે. જેમાં 31 મે સુધીમાં 17.95 ટકા 72ના મોત થયા હતા. જૂન મહિનામાં 30.42 ટકા 122ના મોત થયા હતા. જ્યારે 1 જુલાઈથી 16 જુલાઈ સુધીમાં 50.12 ટકા 201ના મોત થયા છે.
અનલોક-2માં સરેરાશ કેસ અને મોતમાં વધારો
શહેર જિલ્લામાં 31 મે સુધીમાં સરેરાશ 23 કેસ નોંધાતા હતા. જે જૂનમાં 106 પર પહોંચી ગયો હતો. જ્યારે જુલાઈના 16 દિવસમાં સરેરાશ રોજ 262 કેસ નોંધાય રહ્યા છે. આ સાથે મોતમાં 31 મે સુધીમાં સરેરાશ 1 મોત થતું હતું. જે જૂન મહિનામાં સરેરાશ 4 પર પહોંચી ગયું હતું. જ્યારે જુલાઈના 16 દિવસમાં સરેરાશ રોજ 12 દર્દીના મોત થઈ રહ્યા છે.