5 લાખ લાંચ કેસઃ જામનગર GPCBના અધિકારીના બે બેન્ક લોકરમાંથી 2 કિલો સોનાના દાગીના, 55 લાખ રોકડા મળ્યા

0
465

ACBના તપાસ અધિકારીઓને ભાયાભાઈ સૂત્રેજા પાસેથી કુલ 1.27 કરોડની બેનામી સંપત્તિ મળી

  જામનગરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં પ્રાદેશિક અધિકારી પદે ફરજ બજાવતા કલાસ-વન અધિકારી ભાયાભાઇ ગીગાભાઇ સુત્રેજાને ગાંધીનગર ACBએ રૂ.5 લાખની રોકડ રકમ સાથે પકડી પાડયા હતા. બાદમાં તેના ગાંધીનગર સ્થિત રહેણાંક મકાનની ઝડતી લેવાતા વધુ પાંચ લાખથી વધુની રોકડ રકમ અને સોનાની 10-10 ગ્રામની બે બંગડી મળી આવી હતી. આ મુદ્દામાલ ACBએ કબ્જે કરી તેની સામે અપ્રમાણસર મિલકત મામલે ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં ભાયાભાઇના ગાંધીનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા સેક્ટર 21માં આવેલા બે લોકરની ઝડતી કરી હતી. જેમાંથી 1.919 કિલોગ્રામ સોના-ચાંદીના દાગીના અને 55 લાખ રોકડા એમ બંને મળી ACBએ 1, 27,95,874 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બંને લોકરમાંથી મળી આવેલી રોકડ રકમ અને સોના-ચાંદીની વસ્તુઓ

ગાંધીનગર સેક્ટર 21માં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં લોકર નં.21ની ઝડતી કરતા અલગ અલગ પ્રકારના સોનાના દાગીના 1314.450 (અંદાજિત 1.314 કિલો ગ્રામ)ની અંદાજિત કિંમત રૂ.48,76,596 તથા રોકડ રકમ 69,500 મળી આવી છે. જ્યારે લોકર નં. 331ની ઝડતી તપાસ કરતા અલગ અલગ પ્રકારના સોનાના દાગીના, સોનાની લગડી 605.990 ગ્રામ તથા ચાંદીના દાગીના 115 ગ્રામ અંદાજિત કિંમત 23,49,778 તથા રોકડ રકમ રૂ. 55,00,000 મળી આવ્યા છે. આમ બંને લોકરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ 1,27,95,874 રૂપિયાનો થાય છે. આ મુદ્દમાલ ACBએ કબ્જે કરી આગળ તપાસ હાથ ધરી છે

અહેવાલ. ન્યુઝ, અપડેટ ,જામનગર