રાજકોટ: ગુજરાતી વિષય અને કેમિસ્ટ્રી વિષયના 8 વિદ્યાર્થી પીએચ.ડી.ની પરીક્ષામાં પાસ થયા બાદ ગાઇડ પાસે જગ્યા હોવા છતાં એડમિશન ન આપવાના મુદ્દે ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બર બહાર ગોદડાં પાથરીને ધરણાં પર બેસી ગયા હતા.
કુલપતિની ચેમ્બર બહાર ધરણાં પર બેઠેલા ચાંદની દુદકિયા અને પાર્થ બારભાયા નામના બે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે કેમિસ્ટ્રીની ડીઆરસી પાસ કર્યા બાદ કુલ 11 વિદ્યાર્થીને પ્રવેશ માટે ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીએ યાદી યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરી હતી. ત્યારબાદ એકાએક આ 11 વિદ્યાર્થીની યાદી વેબસાઇટ પરથી ઉતારી લઇ 6 વિદ્યાર્થીને પ્રવેશની નવી યાદી વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. આ નવી યાદીમાં કેમિસ્ટ્રીની પ્રવેશ પરીક્ષામાં 69.8 ગુણ સાથે સૌપ્રથમ ક્રમે રહેલી ચાંદની દુદકિયા અને 65 ગુણ સાથે બીજા ક્રમે રહેલા પાર્થ બારભાયાનું નામ જ કાઢી નાખવામાં આવ્યું હતું અને ઓછા ગુણ ધરાવતા 6 લાગવગિયાનો સમાવેશ કરી દેવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે.
રસાયણશાસ્ત્ર ભવનના સત્તાધીશોએ પાર્થ અને ચાંદની ઉપરાંત સ્વાતિ ડાકી અને કાનજીભાઇ કાછોટનું નામ પણ કાઢી નાખ્યાની હકીકત પ્રકાશમાં આવી છે. કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના કૌભાંડ ઉપરાંત ગુજરાતી વિષયમાં પણ અલગ-અલગ ગાઇડ પાસે પીએચ.ડી.માં એડમિશન ન મળતા ભંડેરી ખુશાલી, પાઘડાર સંગીતા, સાકરિયા પૂર્વી, ચાવડા હેતલ, જાડેજા ગિરીરાજસિંહ અને ગોહેલ વિજયકુમાર નામના વિદ્યાર્થીઓ કુલપતિની ચેમ્બર બહાર ધરણાં પર બેસી ગયા હતા. આ તમામ વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, પીએચ.ડી.ના ગાઇડ પાસે ગુજરાતી વિષયમાં 25 જેટલી જગ્યા ખાલી છે. જ્યારે અમે 22 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને તેમાંથી 10ને જ એડમિશન અપાયું છે તો બાકીના 12ને પણ ગાઇડ ફાળવી શકાય તેમ હોય તેથી આ પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી લડત ચાલુ રખાશે. આમ યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશના મુદે ધરણાનો સિલસિલો શરૂ થયો છે.