દુકાનદારે વ્યાજે લીધેલા 3 લાખની સામે 10.70 લાખ ચુકવ્યા, વ્યાજખોરે અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપતા 2 સામે ફરિયાદ

0
390
  • માસિક 10 ટકા વ્યાજે 3 લાખ લીધા બાદ હેર સલૂનના માલિકે દર મહિને 30 હજાર રૂપિયાનો હપ્તો ચુકવતો હતો
  • છેલ્લા કેટલાક સમયથી હપ્તા ન ભરી શકતા વ્યાજખોર સહિત 2 લોકોએ દુકાનદારને પકડીને છરી બતાવી ધમકી આપી

વડોદરા. વડોદરા શહેર પોલીસે વ્યાજખોરો પર અંકુશ લાવવા અભિયાન ચલાવ્યું હતું, જોકે હજી પણ વ્યાજખોરો પર તેની કોઈ અસર જોવા મળી રહી નથી. વડોદરાના શિયાબાગ વિસ્તારમાં માસિક 10 ટકાના વ્યાજે એક વ્યક્તિએ વ્યાજખોર પાસેથી 3 લાખ રૂપિયા લીધા બાદ 10.70 લાખ રૂપિયા વ્યાજ ચુકવ્યું હતું, તેમ છતાં પણ વ્યાજખોરે મુદ્દલ 3 લાખ રૂપિયા વસુલવા કર્જદારનું અપહરણ કર્યું હતું અને ચપ્પુની અણીએ દુકાન કબજે કરવાની કોશિશ કરી હોવાનો બનાવ નવાપુરા પોલીસ મથકે નોંધાયો હતો

3 લાખની સામે 10.70 લાખ ભર્યા બાદ હપ્તા ભરી ન શક્યો
વડોદરા શહેરના બિલ ગામે રહેતા કિશોર શિંદેએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શિયાબાગ વિસ્તારમાં હેર સલૂન ધરાવે છે અને શિયાબાગમાં રહેતા પ્રહલાદ પટેલ પાસેથી મકાનના દસ્તાવેજ કરવા માટે માસિક 10 ટકાના વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે 6 સહીવાળા કોરા ચેક આપ્યા હતા અને વર્ષ 2017થી 2020 દરમિયાન દર મહિને 30 હજાર ચૂકવી અત્યાર સુધી 10.70 લાખ ચૂકવ્યા હતા. જોકે તે ત્યારબાદ હપ્તા ભરી શક્યો ન હતો. 

દુકાનદારને છરી વાગી જતા ગળાના ભાગે ઇજા થઇ
ગુરૂવારે પ્રહલાદ પટેલ અને તેનો મિત્ર આકાશ એક્ટિવા પર દુકાને ધસી આવ્યા હતા અને દુકાન બંધ કર અને દુકાનની ચાવી મને આપી દે તેમ જણાવીને 3 લાખ રૂપિયા તેમજ વ્યાજની માંગ કરી હતી. ત્યારબાદ આકાશ નામનો વ્યક્તિ કિશોરભાઈને એક્ટિવા ઉપર બોરડી ફળિયામાં એક ઘરમાં લઈ ગયો હતો જ્યાં પ્રહલાદ પટેલ અપશબ્દો બોલી માર માર્યો હતો અને પેટના ભાગે ચપ્પુ મુકીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં કિશોરભાઈને ગળાના ભાગે ચપ્પુ વાગવાથી ઇજા પહોંચી હતી. ફરિયાદના આધારે નવાપુરા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here