મંદિર સ્ટાફમાં 14 પૂજારી સહિત 140 કોરોના પોઝિટિવ, ટ્રસ્ટ પર મંદિર ફરીથી બંધ કરવાનું દબાણ

    0
    666
    • તિરૂપતિ શહેરમાં એક હજારથી વધારે કોરોના પોઝિટિવ છે
    • હાલ મંદિરમાં દર્શન રોકવા અંગે કોઇ ચર્ચા નથી તેવું ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે

    આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં સંક્રમણથી બચવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી છતાંય અહીં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી ટ્રસ્ટના 140થી વધારે લોકો તેની ચપેટમાં આવી ગયા છે. તેમાં 14 પૂજારી સામેલ છે. કેસ વધતાં જતાં હોવાથી હવે મંદિરમાં થોડાં દિવસો માટે દર્શન બંધ કરવા માટે કર્મચારી સંગઠન અને રાજનૈતિક દળ દબાણ કરી રહ્યા છે. જોકે, ટ્રસ્ટ હાલ મંદિર બંધ કરવા માટે તૈયાર નથી.

    8 જૂનના રોજ અનલોક-1 હેઠળ મંદિર ખોલવામાં આવ્યું હતું. 11 જૂનથી તે સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યું હતું. તેના 2 દિવસ બાદ જ એટલે 13 જૂનથી મંદિરના સ્ટાફમાં કોરોનાના કેસ આવવા લાગ્યાં હતાં. અહીં લગભગ 6 હજારથી શરૂ થયેલી શ્રદ્ધાળુઓની સંખ્યા 15 હજાર સુધી પહોંચી ગઇ છે, પરંતુ મંદિરમાં કોરોનાની અસરને જોતા હવે ભીડ ઓછી જોવા મળી રહી છે. હાલ રોજ 8 થી 9 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે.

    મંદિરમાં સંક્રમણ વધ્યા બાદ હવે અહીં દર્શન બંધ કરવાની માગ કરવામાં આવી રહી છે. ગુરુવારે કર્મચારી સંગઠનોએ પણ ટ્રસ્ટને માગ કરી છે કે, મંદિરને હાલ બંધ કરી દેવામાં આવે. જેથી અન્ય કર્મચારીઓ અને પૂજારીઓમાં કોરોના ફેલાય નહીં. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂએ પણ આંધ્ર સરકાર પાસે માગ કરી છે કે, સ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલાં જરૂરી પગલાં લેવા જોઇએ.

    ટ્રસ્ટના અધ્યક્ષ વાઈવી સુબ્બારેડ્ડીના કહેવા પ્રમાણે, મંદિરમાં સ્થિતિ હાલ નિયંત્રણમાં છે, એટલે મંદિર ફરીથી બંધ કરવાનો કોઇ અર્થ નથી. જે કર્મચારી પોઝિટિવ આવ્યાં છે, તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.

    મંદિરમાં ટ્રાય ઓઝોન સ્પ્રે સિસ્ટમ લગાવવામાં આવી છે, છતાંય કેસ વધી રહ્યા છે
    મંદિરમાં ટ્રાય ઓઝોન સ્પ્રે સિસ્ટમ લગાવવામાં આવી છે, છતાંય કેસ વધી રહ્યા છે

    તિરૂપતિ બાલાજી મંદિરમાં મંદિરમાં પ્રવેશ કરતી સમયે ફુવારા દ્વારા સેનેટાઇઝેશન થતું રહે છે-

    તિરૂપતિ બાલાજી ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં કોરોના સંક્રમણથી બચવા માટે ટ્રાય ઓઝોન સ્પ્રે સિસ્ટમ લગાવવામાં આવી છે. તેમાં મંદિરમાં આવતાં લોકો ઉપર ડિસઇન્ફેક્ટેન્ટનો છંટકાવ થતો રહે છે. જ્યાંથી લોકો મંદિરમાં પ્રવેશ કરે છે અને લાઇનમાં ઊભા રહે છે ત્યાં ફુવારા દ્વારા સતત સેનેટાઇઝેશન થતું રહે છે. છતાંય મંદિરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.