ગાયત્રીનગરની કડીયા મહિલા તરૂણાને પતિએ કોઠારીયામાં સળીયાથી પતાવી લાશ કણકોટ રીંગ રોડ પર ફેંકી દીધી

0
511

જેની લાશ મળી એ તરૂણાબેન ટાંકના પિતા રામજીભાઇ ટપુભાઇ રાઠોડનો આક્ષેપઃ મારી દિકરીને તેનો પતિ બાલકૃષ્ણ ટાંક ગયા બુધવારે કોઠારીયામા નવા મકાનની સાઇટ પર લઇ ગયો’તોઃ ત્યાં સળીયાથી હત્યા કરી લાશ ડેકીમાં નાંખી ફેંકી આવ્યો’તોઃ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧૭: શહેરના ગાયત્રીનગર-૨માં રહેતાં રહેતાં તરૂણાબેન બાલકૃષ્ણ ટાંક (ઉ.વ.૩૩) નામના કડીયા મહિલાની નવા ૧૫૦ ફુટ કણકોટ રીંગ રોડ પરથી લાશ મળી આવી છે. આ મહિલાની હત્યા ગયા બુધવારે કરી લાશને કારની ડેકીમાં નાંખી કણકોટ રોડ પર ફેંકી દેવાયાનો ચોંકાવનારો આક્ષેપ તેણીના હસનવાડીમાં રહેતાં પિતા રામજીભાઇ ટપુભાઇ રાઠોડે કર્યો છે અને તેઓ આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે.

ઘટના અંગે હસનવાડીમાં રહેતાં રામજીભાઇ રાઠોડે જણાવ્યું હતું કે હું ગઇકાલે રાતે બહારગામ હતો ત્યારે મારા જમાઇ બાલકૃષ્ણ વેલજીભાઇ ટાંકના મોટાભાઇ પરેશભાઇએ મને ફોન કરીને કહ્યું હતું કે તમારા દિકરી તરૂણાને તેનો પતિ કોઠારીયામાં નવા બનેલા મકાનની સાઇટ પર લઇ ગયો હતો. ત્યાંથી જે જાણ બહાર નીકળી ગયા હતાં. આવી વાત કરી હતી.

દરમિયાન આજે તરૂણાબેનની નવા ૧૫૦ રીંગ રોડ પર કણકોટ રોડ પરથી લાશ મળતાં તપાસ થતાં હત્યા હોવાનું સ્પષ્ટ થયું છે. અમે અત્યારે ફરિયાદ નોંધાવી રહ્યા છીએ. તેમ વધુમાં રામજીભાઇએ જણાવ્યું હતું. રામજીભાઇએ આક્ષેપ કર્યો છે કે મારા જમાઇને બીજી કોઇ સ્ત્રી સાથે લફરૂ છે તેણે આ બીજી બાઇનું નામ પણ પોતાની છાતીએ ત્રોફાવી રાખ્યું છે. મારી દિકરીના લગ્ન અગિયાર વર્ષ પહેલા બાલકૃષ્ણ સાથે થયા હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે. જમાઇ બાલકૃષ્ણ બાંધકામનો ધંધો કરે છે.

અમને જાણવા મળ્યુ છે કે મારી દિકરીને ગયા બુધવારે તે કોઠારીયાની સાઇટ પર લઇ ગયો હતો. જ્યાં તેણીએ કચરા પોતા કર્યા હતાં. એ પછી પાર્કિંગમાં તેણીના માથામાં સળીયો ફટકારી હત્યા કરી લાશનો કણકોટ રીંગ રોડ પર નીકાલ કરી દીધો હતો. આજે લાશ મળી છે. પોતાના બીજી સ્ત્રી સાથેના લફરાને કારણે જમાઇએ મારી દિકરીની હત્યા કરી છે.

રામજીભાઇએ વધુમાં કહ્યું હતું કે મારે સંતાનમાં ત્રણ દિકરી અને એક પુત્ર છે. અમે જમાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છીએ. આજીડેમ પીઆઇ વી. જે. ચાવડાને ઘટના વિશે પુછવા સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આવી ઘટના સામે આવી છે અને અમે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here