બોલો લે સુરતમાં તો મોતના આંકડા છૂપાવવા સ્મશાને પોલીસ પહેરો …

0
513

સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ લોકો સુરક્ષિત રહે તે માટે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને ઘરમાં રહીને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે અને ઘરની બહાર નીકળતા લોકોને માસ્ક અને સામાજિક અંતર જાળવી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના કે, શંકાસ્પદ કોરોનાના દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. એક માહિતી અનુસાર સુરતની એક સામાજિક સંસ્થા દ્વારા પ્રતિદિન 45થી 50 જેટલા મૃતદેહોનેની અંતિમવિધિ સુરતના ત્રણ સ્મશાનગૃહમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા મૃતકોની યાદી જાહેર કરવામાં આવે છે તેમાં માત્ર 10થી 12 લોકોના મોતનો આંકડો દર્શાવવામાં આવે છે. મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ધીરજ લાઠીયા દ્વારા પણ તંત્રની સામે આંકડા છૂપાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ધીરજ લાઠીયાએ તંત્ર દ્વારા 10થી 15% આંકડા દર્શાવવામાં આવતા હોવાનું પણ તેના નિવેદનમાં જણાવ્યું હતું. તો બીજી તરફ પત્રકારોને સ્મશાન પરથી અંતિમવિધિના આંકડાઓની માહિતી મળતી હતી પરંતુ હવે પત્રકારો આ માહિતી મેળવી શકતા નથી. કારણ કે સુરતમાં જે 3 સ્મશાનમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવે છે, તે ત્રણે-ત્રણ સ્મશાનની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પત્રકારો જ્યારે સ્મશાન ભૂમિ પર કોરોનાની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવેલા અંતિમ સંસ્કારની માહિતીના આંકડા લેવા માટે જાય ત્યારે પોલીસકર્મીઓ દ્વારા પત્રકારોને અટકાવવામાં આવી રહ્યા છે અને સ્મશાનમાં જવા દેવામાં આવી રહ્યા નથી. એક તરફ મહાનગરપાલિકા દ્વારા સુરતમાં કોરોનાના મોતના આંકડા 10થી 12 જ દેખાડવામાં આવે છે પરંતુ બીજી તરફ પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે અને હવે તો પત્રકારોને પણ સ્મશાનમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. એટલે ક્યાંકને ક્યાંક હવે તંત્રની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

અહેવાલ: ન્યુઝ અપડેટ, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here