પોસ્ટ વિભાગે રાખી કાઉન્ટર શરૂ ન કર્યા, બહેનો અન્ય રાજ્ય કે દેશમાં ભાઈને રાખડી નહીં મોકલી શકે

0
317

દર વર્ષે દેશ-વિદેશમાં રક્ષાબંધન પર્વે 50 હજારથી વધુ રાખીકવર મોકલાય છે

રાજકોટ. પોસ્ટ વિભાગ દર વર્ષે રક્ષાબંધનના 15થી 20 દિવસ અગાઉ દરેક પોસ્ટ ઓફિસે રાખી સ્પેશિયલ કાઉન્ટર કે બોક્સ રાખે છે જેમાં બહેન દૂર દૂર સુધી પોતાના ભાઈને રાખડી મોકલી શકે છે. રાજકોટથી ગુજરાત રાજ્યના શહેરોમાં, દેશના અન્ય રાજ્યોમાં અને વિદેશ પણ રાખી કવર મોકલી શકાય છે. રાજકોટની 18 જેટલી પોસ્ટ ઓફિસોમાં દર વર્ષે 50 હજારથી વધુ રાખડીઓ મોકલવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે અને ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર મોટેભાગે બંધ હોવાને કારણે હજુ સુધી પોસ્ટ વિભાગે રાખી સ્પેશિયલ કાઉન્ટર શરૂ કર્યા નથી અને શરૂ કરવાની કોઈ સંભાવના પણ નહીં હોવાનું પોસ્ટના અધિકારીઓ જણાવે છે. સામાન્ય રીતે દર વર્ષે પોસ્ટની વડી કચેરીઓએથી સૂચના આવ્યા બાદ રાજ્યની દરેક હેડ પોસ્ટઓફિસ, સબ પોસ્ટ ઓફિસોમાં આ વ્યવસ્થા શરૂ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી રાજ્યભરમાં વડી કચેરીએથી રાખી કાઉન્ટર શરૂ કરવાની કોઈ સૂચના નથી અને સંભવત આ વર્ષે આયોજન પણ નહીં કરાય.

ટ્રેન-ઇન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી વ્યવસ્થા ખોરવાઈ
પોસ્ટ વિભાગના રાખી કવર દર વર્ષે પેસેન્જર ટ્રેનો અને કેટલાક દેશ-વિદેશના કવર કે પાર્સલ ફ્લાઈટમાં મોકલવામાં આવે છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે પેસેન્જર ટ્રેનો બંધ છે, વંદેભારત સિવાયની ઇન્ટરનેશનલ ફ્લાઈટ પણ બંધ હોવાને કારણે રાખી કવર રાજ્યો કે દેશોમાં મોકલવાની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાને કારણે આ વર્ષે રાખી સ્પેશિયલ કાઉન્ટરની વ્યવસ્થા ખોરવાઈ છે.

પોસ્ટ રાખડી મોકલવા સ્પેશિયલ વોટરપ્રૂફ કવર પણ આપે છે
રક્ષાબંધનના તહેવાર દરમિયાન ચોમાસાની ઋતુ હોય ટ્રેનમાં રાખી કવરના પાર્સલ પલળી ન જાય તે માટે દર વર્ષે રક્ષાબંધન પર્વ અગાઉ ટપાલ વિભાગ રાખડી મોકલવા માટેના સ્પેશિયલ વોટરપ્રૂફ કવર પણ આપે છે. જેથી બહેને મોકલેલી રાખડી સુરક્ષિત પહોંચે. સામાન્ય કાગળનું કવર હોય તો પલળીને ફાટી જાય અને રાખડી કવરમાંથી નીકળી જાય નહીં તે માટે વોટરપ્રૂફ કવર બહાર પાડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here