રાજકોટમાં 3 લોકોનાં કોરોનાથી મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 916 પર પહોંચી

0
444

સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે  રાજકોટમાં આજે વધુ 3 દર્દીના કોરોનાથી મોત નિપજ્યાં છે. રાજકોટ, વાંકાનેર અને જામનગરના દર્દીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હાલ રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 916 પર પહોંચી છે.

રાજકોટમાં કોરોનાથી 3ના મોત
1. આમદભાઈ ઈસાભાઈ (ઉં.વ.58), વાંકાનેર
2. ગીતાબેન ગોવિંદભાઈ ચૌહાણ (ઉં.વ.65), જામનગર
3. ચંદ્રકાંતભાઈ લક્ષ્મીચંદ વોરા (ઉં.વ.65), રાજકોટ

જિલ્લામાં કોરોનાનો આંક વધીને 916 થયો
રાજકોટ જિલ્લામાં કોરોનાનો આંક વધીને 916 થયો છે એટલે કે થોડા જ દિવસોમાં આંક 1000ને પાર થઈ જતા હવે એ નહીં કહી શકાય કે રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. શુક્રવારે 58 નવા કેસ જ્યારે 5ના મોત નીપજ્યા છે. રાજકોટ શહેરમાં નવા 35 જ્યારે જિલ્લામાં 23 કેસ સામે આવ્યા હતાં. 

કોરોનાના વધતા કેસને લઇને રાજકોટનું વહીવટી તંત્ર સજ્જ બન્યું
રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં ઓડિટ માટે અધિકારીની કમિટી બનાવવામાં આવશે. પ્રાંત અધિકારી, ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસ અને ટ્રેઝરર ઓફિસરની કમિટી બનાવી ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ મૂકવામાં આવશે. કોરોના કેસને લઈને વધુ બેડની વ્યવસ્થા માટે તંત્ર સજ્જ બન્યું છે. વોર્ડ નં.7 અને 11માં કોવિડ માટેના બેડ ઉભા કરવામાં આવશે.

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વધુ 64 પોઝિટિવ
જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે 32 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 2ના મોત નીપજ્યા હતા. ગીરસોમનાથ જિલ્લામાં 13 કેસ અને 1 મોત તેમજ અમરેલી જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં ચાર કેસ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.