દેશના આ રાજ્યમાં અભિનેતા સોનુ સૂદનું મંદિર બન્યું, ગામલોકોએ કહ્યું-‘અમારા માટે ભગવાન’

0
226

મુંબઈ: દેશમાં કોરોના વાયરસના કહેર અને લોકડાઉનની વચ્ચે સતત લોકોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ હવે મસીહા બની ગયો છે. તેલંગાણા રાજ્યના ગામ ડુબ્બા ટાંડાના લોકોએ 47 વર્ષીય સોનુના નામ પર એક મંદિર બનાવીને તેને સન્માનિત કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ગામના લોકોએ આ મંદિર સિદ્દીપેટ જિલ્લા અધિકારીઓની મદદથી બનાવ્યું છે.

સોનુ સૂદના આ મંદિરનું લોકાર્પણ 20 ડિસેમ્બરના રોજ મૂર્તિકાર તથા સ્થાનિક લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરતી પણ કરવામાં આવી હતી.

પારંપરિક પોશાક પહેરેલી સ્થાનિક મહિલાઓએ લોકગીત ગાયા હતા. જિલ્લા પરિષદના સભ્ય ગિરી કોંડેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સોનુએ કોરોના દરમિયાન જનતાની વચ્ચે ઘણું જ સારું કામ કર્યું છે.

મંદિરની યોજના બનાવનાર સંગઠનમાં સામેલ રમેશ કુમારે કહ્યું હતું, ‘સોનુના સારા કામોને કારણે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી અમે તેમના માટે મંદિર બનાવ્યું છે. તે અમારા માટે ભગવાન છે. સોનુએ દેશના તમામ 28 રાજ્યોના લોકોની મદદ કરી છે અને માણસાઈ ભરેલા કામ માટે તેમને અવોર્ડ્સ પણ મળ્યા છે.’

વધુમાં તેમણે કહ્યું હતું, ‘સોનુએ લૉકડાઉન દરમિયાન જે રીતે લોકોની મદદ કરી છે, તેને કારણે માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં સન્માન મળ્યું છે. તેમને યુનાઈટેડ નેશન તરફથી સ્પેશિયલ અવોર્ડ મળ્યો હતો. આથી અમારા ગામ તરફથી અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here